નળાખ્યાન/કડવું ૩૯

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું ૩૮ નળાખ્યાન
કડવું ૩૯
પ્રેમાનંદ
કડવું ૪૦ →
રાગ: મરુ.



વિષધર માર્યો વ્યાધે આવી, મહેલા મૃત્યુથકી મૂકાવી;
વ્યાધે અજગર લીધો હાથે, ચાલ્યો દમયંતી તેડી સાથે.
પારધી હીંડ્યો જગને જીતી, વૈદર્ભી જાય બીહતી બીહતી;
ગયો એક તાળવની તીર, પ્રક્ષાલન કીધું સર્પ શરીર.
દેખતાં દમયંતી પ્રત્યક્ષ, તે અજગર કીધો ભક્ષ;
મુખનું પાસું રહેવા દીધું, બાકી શરીરનું ભોજન કીધું.
દમયંતી વિસ્મય હવી, આ તો વાર્તા દીઠી નવી;
જીવાંતક કહે હો નારી, તમો દીઠી વિદ્યા અમારી.
મનની ખટપટ સઘળી છાંડો, પેમ કટાક્ષ મુજપર માંડો;
હું તો પારધિ પતિ છૌ વ્યાધિ, પટરાણી કરું ભલે લાધી.
કુણ માત તાત કુણસ્વામી, વન નીસર્યાં વૈરાગ પામી;
એકલાં આવ્યાં આણી દશે, કોણ નામ બોલો રળી રસે.
કોણે વચન કહ્યું કવરધું,કાં અંઅબ્ર અંગે અરધું;
શું નળ નળ મુખે જપો, છો ડાહ્યાં ઘેલામાં ખપો.
જદ્યપિ દુઃખ તમને પડિયું, પણ ભાગ્ય મરું ઉઘડિયું;
એમ કહિને ગયો સ્પર્શ કરવા, ત્યારે અબલા લાગી ઓસરવા,
ધસ્યો રાહુ ચંદ્રને ચાંપે, તેમ દમયંતી થરથર કાંપે;
મા ભરિશ ઓરું ડગ, તુજ પર્ તૂટે પડશે ખડ્ગ.
હું તો ભેમક રાયની બાળી, અલ્યા હું નહિ ચૂકવાવાળી;
હું તો દમયંતી નળની નારી, પારધિ કહે ભાગ્યદશા મારી.
એવું કહિને પારધિ ધસિયો, અબળાને ક્રોધ મન વસિયો;
મૂર્ખ કહ્યું માન રે મારું, હો નજમપુરના વટે સારુ.
ઉપકાર તારો હું જાણું, તે માટે હું દયા કાંઈ આણું;
બળ મા કર તું મુજ સાથે, મૂર્ખ મરણ ચઢ્યું છે માથે.
કેમ જવા દૌં ભોળી ભામ, મુજ વિરહીતણો વિશ્રામ;
હુંમાં શો અવગુણ જ દેખો, મને શા માટે ઉવેખો.
મારે મંદિર શ્રી છે તરણ, તે રહેશે તમારે ચરણ;
આપણ બે જીવ જીવશું જડિયાં, કોણ સુકૃતથી સાંપડિયાં.
થનાર હશે તે દેઈશ થાવા, પણનહિં દેઉં તમને જાવા;
સુખે પારધિ વંશમાં વરતો, હું નળથી નથી કાંઇ નરતો.
લક્ષણવંતિ મને લોભાવો, પૂરી વાસ સદન શોભાવો;
અન્ન વસ્ત્ર વિના ન દુભાવો, લ્યો ગૃહસ્થાશ્રમનો લાવો.
ભક્ષ દુઃખ ન ધરશો ચિત્ત, શત પશુ વેધું નિત્ય;
ઉંચું જોઈ કહે ધન્ય વિધાતા, મને દમયંતીનો દાતા.
કારી કર્મ દશા છે ચઢતી, વૈદર્ભી પામ્યો રડાવડતી;
દેવ નહીં પામ્યા ખપ કરતાં, માને વાર નલાગી વરતાં.
તૃણનું મેરુ ને મેરુનું તરણ, તારી લીલા અશરણશરાણ;
ભોગવી ન શક્યો નૈષધ સ્વામી, નળે ખોઇ નારી મેં પામી.
શું નળ નળ ઝંખના લાગી, પહોર નોઇશાએ ગયો ત્યાગી;
શે લોભે લ્યો નળનું નામ, જેણે દુખિયાં કીધાં આમ.
બોલો આધાર પ્રણજીવન, ધાયો દેવાને આલિંગન;
ક્રોધે સતિયે સાંભળ્યું સત્ય, રોઇ સમર્યા કમળાપત્ય.
વિઠ્ઠલજી ચડજો વારે, હું તો રહી છું તમ આધારે;
છો વિપત સમેના શ્યામ , મધુસૂદન રાખો મામ.
આપ્યું પદ ધ્રુવને અવિચળ, ગ્રાહથી મૂકાવ્યો મદગળ;
રાખ્યો પ્રહલાદ વસિયા થંભ, રક્ષા કરો ધરો ન વિલંબ.
સત્ય હોય સદા નિરંતર, અસત્યથી હોઉંસ્વતંતર;
ન મૂક્યા હોય નળ મનથી, કુદ્રષ્ટે ન જોયું હોય અન્યથી.
આપાત્કાળ રહી હોઉં સત્યે, નળ સમરી રહી હોઉં શુભ મતે;
પંચમહાભૂત સાક્ષી ભાણ, ન ચૂકી હોઉં નળનું ધ્યાન.
સત્ય બળે દેઉં છૌં શાપ, ભસ્મ થજો વ્યાધુનું આપ;
વચન નીસર્યું મહિલાનાં મુખથી, અજ્ઞિ લાગ્યો પગના નખથી.
સ્તવન કીધું બેહુ કર જોડી, નમતામાં થયો રાખોડી;
પ્રેમદા પામી પરિતાપ, ઉપકારીને દીધો શાપ.
જદ્યપિ વ્રત ન ભાંગું, પણ લૌકિક લાંછન લાગું.
લોકને પારધિનો સંદેહ, માટે પાડું હું મારી દેહ.
પ્રઆણત્યાગે નથી હું બીતા, શું કરું સ્વામી પાખે જીવી;
કેશનો પાંગરો ગુંથી ગ્રંથે, લેઇ ભરાવ્યો ફાંસો કંઠે.
હો વિષ્ણુ એટલું માગતી અમ્રું, નળની દાસી થઈ અવતરું;
એવે કલજુગે ધાર્યું મંન, કરું કૌતક હું ઉત્પન્ન.
મરણથી ઉગારી લીધી, ત્યાં માયા કળીએ કીધી;
દીથી તાપસ આશ્રમ વાડી, ગઈ દ્મયંતી ફાંસો કહાડી.
નગ્ન દિગંબર છે મહંત, થઈ પાસે હરખ્યું ચંત;
બોલે કળીજુગ નાસા ગ્રહી, અપ્રીત મચ્છ માટ થઇ.
શકે ભીમકસુતા દમયંતી, તજી નાથે હીંડે ભમયંતી;
અલ્પ અપરાધની ભ્રાંતે, કામને તજી છે કાંતે.
ભીમક સુતા આનંદી અપાર, જોગી જગદીશને અવતાર;
ફરી અક્રીને પાગે નમે, નળનું પ્રશન કરોજી તમે.
મુનિ કહે નળને છે ક્ષેમ, પણ ઉતર્યો તુજથી પ્રેમ;
નળ નારી શોધે છે અન્ય, તું કરજે ઉપજે મન.
તવ હરખ્યો પ્રેમદાનો પ્રાણ, મારા પ્રભુને છે કલ્યાણ;
લક્ષ નારી કરો રાજાન, પણ મારે નળનું ધ્યાન.
ઠરી ઠાર તે જાણી નળ, નારીએ લીધાં જળ ફળ;
પામે વિરામ કીધું શયંન, નિદ્રાવશ થઈ સ્ત્રીજંન;
સ્વપ્નાંતર દીઠા નળ રાય, જાગી તો દુઃખ બમણું થાય.

વલણ

નળની સ્ત્રી નિદ્રામાં, સ્વપન વિષે પુણ્યશ્લોકરે;

ચાર ઘડીએ જાગી ચતુરા તો, આશ્રમ વાડી ફોકરે.

(પૂર્ણ)