સુદામા ચરિત/કડવું ૪

વિકિસૂક્તિમાંથી
← કડવું ૩ સુદામા ચરિત
કડવું ૪
પ્રેમાનંદ
કડવું ૫ →
રાગ: સામગ્રી


<poem>

પછે સુદામોજી બોલિયા: સુણ સુંદરી રે! હું કહું તે સાચું માન; ઘેલી કોણે કરી રે?

જે નિર્મ્યુ તે પામીએ, સુન સુંદરી રે! વિધિએ લખી વૃદ્ધિ - હાણ; ઘેલી કોણે કરી રે?

સુકૃત-દુકૃત બે મિત્ર છે, સુણ સુંદરી રે! જાય પ્રાણ આત્માને સાથ; ઘેલી કોણે કરી રે?

દીધા વિના કેમ પામીએ? સુણ સુંદરી રે! નથી આપ્યું જેમને હાથ; ઘેલી કોણે કરી રે?

જો ખડધાન ખેડી વાવિયું, સુણ સુંદરી રે! તો ક્યાંથી જમીએ શાળ? ઘેલી કોણે કરી રે?

જળ વહી ગયાં, શી શોચના, સુણ સુંદરી રે! જો પ્રથમ ન બાંધી પાળ; ઘેલી કોણે કરી રે?

એકાદશી-વ્રત કીઢાં નથી, સુણ સુંદરી રે! ન કીધાં તીરથ-અપવાસ; ઘેલી કોણે કરી રે?

પિતૃ તૃપ્ત કીધાં નહીં, સુણ સુંદરી રે! નહીં ગવાનેક પામી ગ્રાસ; ઘેલી કોણે કરી રે?

બ્રહ્મભોજન કીધાં નહીં, સુણ સુંદરી રે! નહીં કીધાં હોમ-હવન, ઘેલી કોણે કરી રે?

અતિથ નિર્મુખ વાળિયા, સુણ સુંદરી રે! તો ક્યાંથી પામીએ અન્ન? ઘેલી કોણે કરી રે?

પ્રીતે હરિપ્રસાદ લીધો નહીં, સુણ સુંદરી રે! હુતહસેષ ન કીધો આહાર; ઘેલી કોણે કરી રે?

આ દુર્ભર પેટ પાપે ભર્યાં, સુણ સુંદરી રે! છૂટ્યાં પશુનો અવતાર; ઘેલી કોણે કરી રે?

સંતોષ-અમૃત ન ચાખિયાં, સુણ સુંદરી રે! હરિચરણે ન સોંપ્યાં મન; ઘેલી કોણે કરી રે?

ભક્તિ કરતાં નવનિધ આપશે, સુણ સુંદરી રે! એવું સાંભળી બોલી સ્ત્રીજંન; ઘેલી કોણે કરી રે?

જળે આંખ ભરી અબળા કહે, ઋષિરાયજી રે! મારું દૃઢ થયું છે મંન; લાગું પાય જી રે.

એ જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે! રુએ બાળક, લાવો અન્ન; લાગું પાય જી રે.

કો'ને અન્ન વિના ચાલે નહીં, ઋષિરાયજી રે! મોટા જોગેશ્વર હરિભક્ત; લાગું પાય જી રે.

અન્ન વિના ભજન સૂઝે નહીં, ઋષિરાયજી રે! જીવે અન્ને આખું જગત; લાગું પાય જી રે.

શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં, ઋષિરાયજી રે! રવિએ રાખ્યું અક્ષયપાત્ર; લાગું પાય જી રે.

સપ્ત ઋષિ સેવે કામધેનુને, ઋષિરાયજી રે! તો આપને તો તે કોણ માત્ર? લાગું પાય જી રે.

દેવ સેવે કલ્પવૃક્ષને, ઋષિરાયજી રે! મનવાંછિત પામે આહાર; લાગું પાય જી રે.

અન્ન વિના ધરમ સૂઝે નહીં, ઋષિરાયજી રે! ઊભો અન્ને આખો સંસાર; લાગું પાય જી રે.

ઉદ્યમ નિષ્ફળ જાશે નહીં, ઋષિરાયજી રે! જઈ જાચો હરિ-બળદેવ; લાગું પાય જી રે.

અક્ષર લખ્યા દારિદ્રના, ઋષિરાયજી રે! ધોશે ધરણીધર તતખેવ; લાગું પાય જી રે.

વલણ તતખેવ ત્રિકમ છેદશે દારિદ્ર કેરાં ઝાડ રે; પ્રાણનાથ! પધારો દ્વારકા, હું માનું તમારો પાડ રે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]