અખેગીતા/કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૧૩ મું - જીવન્મુકતની દશા - ૧ અખેગીતા
કડવું ૧૪ મું - જીવન્મુકતની દશા - ૨
અખો
કડવું ૧૫ મું - જીવન્મુકતનો મહિમા -૧ →


રાગ ધન્યાશ્રી

વળી કહું સાચા સંત સુજાણજી, જેહને ઉદયો અંતર ભાણજી;

હરિને બોલે જેહનિ વાણજી, જે ઘટ ઉઘડી વસ્તુની ખાણજી ૧
પૂર્વછાયા

ખાણ ઉઘડી વસ્તુકેરી, તેણે ન્યૂનતા સઘળી ટળી;
અંતર માંહેલો આશય મોટો, તેણે વસ્તુમાંહે જઇ રહે મળી. ૧

જેમ અગ્નિમાંહે લોહ પેઠું, તે લોહમાં અગ્નિ આવિયો;
ત્યારે શિવ શિવ થયું સર્વે, જ્યારે શિવમાં જીવ સમાવિયો. ૨

ભાઈ છતે અણછતો થઇ રહે; કોઇક જાણે વિરલા સંત;
આપાપરવિના પ્રીછ અળગી, તે મહાનુભાવ મહંત ૩

ભૌતિક ભાવના ટળી તેહને, ભાસ્યું ચિદ્‍આકાશ;
રોધ નપામે મીન જેમ, તેહને નીરમધ્ય આકાશ. ૪

નેત્ર ઉઘાડે ને ગતિ કરે, ભરે તે શ્વાસોશ્વાસ;
તેને નીર ફીટીને નભ થયું, જે આપ રહે અવકાશ. ૫

જેમ હિમના પરવતવિષે, મુષક૧૦ ચાલે મધ્ય;
તેણે ખણ્યાવોહોણી ખાણ થાય,એહવી ઉષ્ણતાની સિધ્ય, ૬

અદ્રિમાં૧૧ આકાશ તેહને, મહા કલા મુષકવિષે;
તેમ ભૌતિક ભાવના તિહાં નહી, જે અણલિંગી૧૨ આતમલેખે. ૭

ભાઈ લિંગ તિહાં લેખાં ઘણાં, અણલિંગે લેખું કશું;
એ સહજ૧૩-કેરી સાધના, સમઝે તે દેખે અશું૧૪. ૮

ભાઈતત્ત્વદર્શી તત્ત્વમાંહે, દેખે સર્વ સમાસ;
જેમ અરૂપમાંથી રૂપ બંધાએ, પાછું અરૂપ થાય ખરાશ૧૫. ૯

કહે અખો સહુકો સુણો, એવી અકલ કળા મહંતને;

એ પદને હીંડો પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________ ૧ જ્ઞાનરુપ સૂર્ય. ૨ વાણી. ૩ બ્રહ્મરૂપ વસ્તુની. ૪ હું ને અન્યવિના. ૫ જાણ-સમજ. ૬ ચૈતન્યરૂપ આકાશ. ૭ માછલું. ૮ આકાશ. ૯ બરફના. ૧૦ ઉંદર. ૧૧ પર્વતમાં. ૧૨ ત્રણ લિંગથી રહિત. ૧૩ સ્વાભાવિકની. ૧૪ આવું. ૧૫ કપૂર.


(પૂર્ણ)