અખેગીતા/કડવું ૪૦મું-આ ગીતાનું ફળ
← કડવું ૩૯મું-સદ્ગુરુનું માહાત્મ્ય | અખેગીતા કડવું ૪૦મું-આ ગીતાનું ફળ અખો |
એ અખેગીતા જે નર ગાયજી, અણઆયાસે[૧] તે નરહરિ થાય઼જી;
સાંભળતાં મહાગહેન પલાયજી, એવો ગ્રંથનો છે મહિમાયજી. ૧
ગ્રંથનો મહિમાય મોટો, સાંભળતાં તે સદ્ય[૨] ફળે;
મનસા વાચા કર્મણાએ, જે સુરત્ય દઈને સાંભળે. ૧
રામતારક મંત્ર જે, તે અખેગીતાનો ભાવ;
જન્મ છેહલો હોય જેહને, તેહને મળે પ્રસ્તાવ[૩]. ૨
સંસારરૂપી મોહનિશાને[૪], નિવૃત્તાવા[૫] કાજ;
દિનમણિ છે અખેગીતા, પામે સદા સદોદિત રાજ. ૩
એમાં જ્ઞાન ભક્તિ વૈરાગ્ય છે, માંહે માયાનિરિક્ષણ દૃષ્ટિ;
જીવન્મુક્ત ને મહામુક્તના, ચેહેન[૬] ને વળી પુષ્ટિ. ૪
પદ દશ ને ચાલીસ કડવાં, છે પરમપદની વાટ;
સંસારસાગર ઉપરે, એ સેતુ[૭] બાંધ્યો ઘાટ. ૫
એણે ઘાટે જે આવી ચડશે, તે સુખે પામશે પાર;
ન બુડે તે બિરદ બાંધી, કહે અખો નિરધાર. ૬
બારે ઉણાં પાંચસે છે, અખેગીતાનાં ચરણ;
ચરણે ચરણે આત્મવિદ્યા, અશરણ કેરૂં શરણ. ૭
નાથનિરંજન ગ્રંથકરતા, અખો તે નિમિત્તમાત્ર;
જેમ વાજું દિસે વાજતું, પણ વગાડે ગુણપાત્ર. ૮
જે પૂરણબ્રહ્મ પૂરી રહ્યો છે, ઘટઘટ બોલણહાર;
તેણે આપે આપનું વરણન કીધું, સ્વસ્વરૂપ નિરધાર. ૯
સવંત સતર પંચલોતરો[૮], શુક્લપક્ષ ચૈત્રમાસ;
સોમવાર રામનવમી, પૂરણ ગ્રંથપ્રકાશ. ૧૦
કહે અખો નિરંજનગીતા, સ્વસ્વરૂપ નિજ સંતને;
અખાને શિર નિમિત્ત દેવું, ઈચ્છા હુતી અનંતને. ૧૧
(પૂર્ણ)