લખાણ પર જાઓ

ઓખાહરણ/કડવું-૪૩

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૪૨ ઓખાહરણ
કડવું-૪૩
પ્રેમાનંદ
કડવું-૪૪ →
રાગ: ઢાળ


ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાઉં;
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧)

અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ;
સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨)

બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને;
લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩)

જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો;
કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪)

ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર;
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. (૫)

ત્યારે ઓખા કહેવા લાગી, જોઇ રહી વાટડી;
મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. (૬)

હું નહિ ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત ?
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. (૭)

એવું કહીને ઉપડી તે, પવનવેગે જાય;
આકાશ મારગે સંચરી, પહોંચી ગોમતી માંય (૮)

ગોમતીમાં મરદન કર્યું ને, વિચારિયું તે ઠામ;
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ. (૯)

પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઇ;
કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઇ. (૧૦)

બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન;
અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. (૧૧)

ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય;
તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. (૧૨)

નારદ કહે છે ઓ રે બાઇ, એમાં તે શું કામ;
એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. (૧૩)

ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ;
પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૧૪)

ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા;
તેને મારગે હું જઇશ, બેસાડીશ વાતો કરવા. (૧૫)

પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય;
ચોસઠ કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. (૧૬)

ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક;
ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. (૧૭)

નારદે વિચારિયું, ચિત્રલેખા અનિરૂદ્ધને લઈ જાશે;
શિવને શામળિયો વઢશે, જોવા જેવું થાશે. (૧૮)

ચક્ર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર;
તે મારગે સામા મળીઆ, નારદ બ્રહ્મકુમાર. (૧૯)

નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા;
એક ઘડીવાર બેસને, મુજની સાથે વાતો કરવા. (૨૦)

તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત;
કોઇ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. (૨૧)

ચક્કર મુખથી બોલિયું, વળી મારું તે ધનભાગ્ય;
તમારા દરશનનો તો, ક્યાંથી પામું લાભ. (૨૨)

ભોળું ચક્કર સમજ્યું નહિ, બેઠું નિરાંત લઈ;
પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. (૨૩)

જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન;
ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. (૨૪)

ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર;
સોડ ઘાલીને પહોઢ્યો, મહાધનુષધારી ધીર. (૨૫)

હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય;
માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. (૨૬)

જુગત અંબે ! જે જુગત અંબે ! કરંતી તે જાય;
હિંડોળો લઈ જાતાં દીઠો, નારદે ત્યાંય. (૨૭)

હિંડોળો લઇ પરવરીને, સમર્યા વૈકુંઠરાય;
પવન વેગે સંચરી, આકાશ મારગે જાય. (૨૮)

બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર;
તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. (૨૯)

એ જ્યારે ગ‌ઇ ત્યારે, હું એ મારે જાઉં;
તેનું કામ કર્યું હું, ખોટી શીદને થાઉં ? (૩૦)

નારદ કહે છે ચક્કરને તું, નિકળ્યું ચોકી કરવા;
આવડી વારે મૂરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. (૩૧)

નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ;
કાલે પછી ચોરી થશે, તું ન લ‌ઇશ મારું નામ. (૩૨)

આકાશ મારગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;
ઓખાબાઇ તો વાટ જુવે છે, મંદિર માળિયા માંય. (૩૩)

વા વાય ને બારી હાલે, ખડખડાટ બહુ થાય;
ચિત્રલેખા પાપણી તે, હજુ ના આવી આંય. (૩૪)

ચિત્રલેખા ચાલી આવી, મંદિરે માળિયા માંય;
ભલે આવી ભલે આવી, હું જગાડું ભરથાર રે. (૩૫)