ઓખાહરણ/કડવું-૪૫
Appearance
← કડવું-૪૪ | ઓખાહરણ કડવું-૪૫ પ્રેમાનંદ |
કડવું-૪૬ → |
રાગ:ઢાળ |
(સાખી)
સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ,
સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧)
(રાગ:ઢાળ)
ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું;
તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧)
ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય;
એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨)
ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય;
ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)