ઓખાહરણ/કડવું-૫
Appearance
← કડવું-૪ | ઓખાહરણ કડવું-૫ પ્રેમાનંદ |
કડવું-૬ → |
રાગ:ઢાળ |
કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ;
જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. (૧)
ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય;
એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્હીવાય. (૨)
જઇને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય;
શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. (૩)
શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર;
વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર. (૪)
સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય;
એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ. (૫)
આવો શિવ આપણ બે વઢિયે, આપ આવ્યા મારી નજરે;
ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. (૬)