ઓખાહરણ/કડવું-૬૭

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૬૬ ઓખાહરણ
કડવું-૬૭
પ્રેમાનંદ
કડવું-૬૮ →
રાગ: ધવળ ધનશ્રીશુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી;
કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી (૧)

નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી;
એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી (૨)

બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી;
પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી (૩)

કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી;
અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી. (૪)

આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી;
શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. (૫)

મરડીને ઊઠું તો શીઘ્ર છુટું, દળું દાનવ જુથજી;
શું કરું જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. (૬)

આકાશ અવનિ એક થાશે, એવા નિપજશે અંધજી;
અગ્નિ કેરી જ્વાળા ધુમ્રથી, અસુર થાશે અંધજી (૭)

સદાય થાશે શામળીઓ સબળો, સઘળા છુટશે બંધજી;
કૃષ્ણ આવી બાણાસુરનાં, છેદશે સઘળાં સ્કંધજી (૮)

મારા સમ જો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી;
બંધનથી દુ:ખ દે છે ઘણું, તારી આંખનાં અશ્રુ બુંદજી (૯)

એમ આસનાવાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી;
ત્યાર પછી શું થયું, તમે સાંભળો રાજનજી (૧૦)

પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી,
ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી (૧૧)

(ચાલ)

મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા;
સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. (૧)

દૈત્યને પાતાળ ચાંપ્યા, રક્તબીજ રણ રોળ્યા;
નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યો. (૨)

ધુમ્રલોચનને હાથે હણિયો, મધુકૈટભ તે માર્યા;
અનેક રૂપ ધર્યાં તે અંબા, સુરિનર પાર ઊતાર્યા. (૩)

ઓ હિંગળાજ હિંગોળી માતા, કોંઇલાપુર તે કાળી;
આદિ ઇશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી (૪)

નગરકોટની તું સીધવાઇ, બગલામુખી લાગું પાય;
રાણી ઊંટવાળી માત, બીરાજતી દક્ષિણ માંય (૫)

અન્નપુરણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી;
રાજેશ્વરી ચામુંડા માતા, દુ:ખહરણી માતંગી. (૬)

એવી રીતે સ્મરણ કીધું, તતક્ષણ ભવાની આવી;
અનિરુધ્ધને માયે કહ્યું, તેં બાળક કેમ બોલાવી ? (૭)

અનિરુધ્ધ કહે સાંભળો માતા, મારું દુ:ખ કહ્યું નવ જાય;
સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય. (૮)

ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સરવે નાશ;
પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. (૯)

એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર;
જુએ તો કારાગ્રહમાં અનિરુધ્ધ, વરસે છે જળાધાર. (૧૦)

નારદ કહે અનિરુધ્ધને, મારું સંકટ કાપો;
રૂડી વહુ તમે પરણ્યા માટે, મુજને દક્ષિણા આપો. (૧૧)

તમને દક્ષિણાની પડી ને, જાય છે મારા પ્રાણ;
શરીર ધ્રુજે અતી ઘણું ને, બોલી ન શકે વાણ (૧૨)

શીદ બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ;
બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત (૧૩)

દિપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય;
કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હુંય. (૧૪)

ઉંડળમાં તેં આભ ઘાલ્યું, અંતર માં શે ન ફુલે?
ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે (૧૫)

વલણ-અંતર શે ન ફુલ્યો જોધ્ધા, મુકાવશે ભગવાન રે,
અનિરુધ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતરધ્યાન રે (૧૬)