કેમ પૂજા કરૂં?

વિકિસૂક્તિમાંથી
કેમ પૂજા કરૂં?
નરસિંહ મહેતા


(તારી)પૂજા કેમ કરૂં કૃષ્ણ કરુણાનિધિ? અકળ આનંદ તો કહ્યો ના જાયે;

સ્થાવર-જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, તે કેશવ કંડિયે કેમ સમાયે? ...તારી

બાર મેઘે કરી સ્નાન શ્રીપતિ કર્યાં, શંખની ધારે તે કેમ રીઝે?

ઉનપચાસ વાયુ તુંને વ્યંજન કરે, ચમર ઢાળું તે કેમ ગમીજે? ...તારી

સૂરજ રૂપે કરી તેજ ત્રિભુવન તપ્યાં, ચંદ્ર રૂપે કરી અમૃત ઠાર્યાં;

મેઘ રૂપે કરી વરસ્યાં રે, વિઠ્ઠલા! વાયુ રૂપે કરીને વધાર્યાં. ...તારી

અઢાર ભાર વનસ્પતિ અહર્નિશ પીમળે, માળી તે પાતરી શી રે લાવે?

ચૂઆ- ચંદને કરી પ્રભુ તુને પુજીએ, અંગની બહેકની તુલ્ય ના'વે ...તારી

તારે નિત નવનવા નૈવેદ કમળા કરે, સૂક્ષ્મ નૈવેદ કેમ તુલ્ય આવે?

ભણે નરસૈંયો જેણે કૃષ્ણરસ ચાખીયો (તે) પુનરપિ માતને ગર્ભ ના'વે. ...તારી