કૈવલ્યગીતા
કૈવલ્યગીતા અખો |
રાગ:આશાવરી |
આ તું પૂરણ પુરુષોત્તમ પરબ્રહ્મ,દેખું છું હાજરા હજુર રે; પરાપારથો બોલે પ્રાણપતિ,કેમ કહું નેણથી દૂર રે. તું પૂ ૦ (૧)
આપે આપમાં આડ્યજ(પડદો) શેની,દ્વૈતસહિત અદ્વૈતરે. તું પૂ ૦ (૨)
હું તું કરૂં પણ છે પ્રાયે તું,તું જોતાં હું ક્યાંય રે. તું પૂ ૦ (૩)
ઇચ્છાબીજ વાવ્યું તુંજ માંહે,ઉગી આવ્યું તુંજ માંથું. તું પૂ ૦(૪)
સ્વાદ રંગ ગુણ નામ રૂપ બહુ,બીજ જોતાં નહીં ભૂલ રે. તું પૂ ૦(૫)
અંજન આકાર ક્યાંથી આવ્યા,આપમાંહેથી સર્વ વ્યાપ રે. તું પૂ ૦(૬)
હું તું તું હું વસ્તુ વિચારે,અંકુર બીજજ પ્રાય રે. તું પૂ ૦(૭)
પોષણ ત્યાં તું તેમનો તેમ છે,સર્વે તારો સંચ રે. તું પૂ ૦(૮)
શ્થૂળ નામ ધર્યા જીવેશ્વરનાં,તેમનું તેમ સદૈવ રે. તું પૂ ૦(૯)
અવ્યક્તમાંહી વ્યક્ત સર્વ દીસો,આપ તે જાણણહાર રે. તું પૂ ૦(૧૦)
મધ્યમાંહેથી નામજ નીસરે,એવું ધામ વિશાળ રે. તું પૂ ૦(૧૧)
હું નો હું અને તું નો તું અજ,એમ પોતાનો પોતે રે. તું પૂ ૦(૧૨) |
આ પિંડ જોતાં બ્રહ્માંડ જોવાયું,થાવર જંગમ દેહ રે; સ્વર્ગ મૃત્યુ પાતાળ દશે દિશ,આપ તું સ્વામી એહ રે. તું પૂ ૦(૧૩)
પુરુષવિના પ્રતિબિંબ ન હોયે,ચેતન સહેજ સ્વભાવે રે. તું પૂ ૦(૧૪)
નૃત્ય નિધાન કરતાં કૈવલ્ય,ભાસે ચૈતન્ય સાર રે. તું પૂ ૦(૧૫)
દર્શનમત નાનાવિધિ ચાલે,ભેખ ટેક કોટે કોટ રે. તું પૂ ૦(૧૬)
રૂપ રમણ આકાર અનેરાં,પવન તેજ નિર ધર્ણ રે. તું પૂ ૦(૧૭)
ક્યાંક પંડિત મૂરખ સાધારણ,આપથી ન અળગો કોઇ રે. તું પૂ ૦(૧૮)
કલ્પિતમાં પરમેશ્વર નાવે,અકળિત આપ અપાર રે. તું પૂ ૦(૧૯)
તું તુજને જાણે નવ જાણે,દેવ દૈત્ય જગદીશ રે. તું પૂ ૦(૨૦)
પોતાનાં પરાક્રમ હોતામાં દીસે,તેટલે નહીં શ્થૂલ જોતે રે . તું પૂ ૦(૨૧)
અટપટું દીસે સત્ય સર્વથા,કેતું દીસે ન કેવાય રે. તું પૂ ૦(૨૨)
અન્ય અભ્યાસે ખાંતે ગાયો,વન્યગતે નહિ અન્ય રે. તું પૂ ૦(૨૩)
સમજતાં શ્રીપતિ સ્વેં થાયે,અખા એ કૈવલ્યકંદ રે. તું પૂ ૦(૨૪)
|
સંદર્ભ
[ફેરફાર કરો]- પુસ્તક "અખાની વાણી".પ્રકાશક : સસ્તુ સાહિત્ય મુદ્રણાલય,ભિક્ષુ:અખંડાનંદજી દ્વારા.આવૃતિ બીજી,સને-૧૯૨૪