જાગને જાદવા! રાત થોડી રહી

વિકિસૂક્તિમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જાગને જાદવા! રાત થોડી રહી
નરસિંહ મહેતા


<poem> જાગને જાદવા! રાત થોડી રહી, મંડળિક રાય મુને બીવરાવે, અરુણ ઉદિયો અને હરણલી આથમી, તુંને તો યે કરુણા ન આવે. - જાગને. ૧

ભોગળ ભાંગિયે રાય દામોદરા! ઉઠો જદુનાથ દેવાધિદેવા ! મંડળિક મદભર્યો ઓચરે અઘટતું, જાણે નરસૈંયાની જૂઠી સેવા - જાગને. ૨

ભક્તપાલક, દયાશીલ તું શામળા ! માહરે પ્રીત પૂરણ છે તારી, નાગરાશું નવલ નેહડો દાખવો, અકલિત ચરિત તારા મુરારિ. - જાગને. ૩

માહરે 'નરહરિ' નામ રૂદે વસ્યું 'પતિતપાવન' તરૂં બિરૂદ કહાવો, ગ્રાહથી ગજને મૂકાવિયો શ્રી હરિ ! દાસ નરસૈંયાને તેમ મૂકાવો.- જાગને. ૪