નળાખ્યાન/કડવું ૩૪
← કડવું ૩૩ | નળાખ્યાન કડવું ૩૪ પ્રેમાનંદ |
કડવું ૩૫ → |
નળ જળ નયણે ભરે ને, કરે વિવિધ વિલાપ;
વ્યાકુળ અંગ પોતાતણું, અવની પછાડે આપ.
વૈદરભી વામા, રંક વામા, એકલડી વન મધ્ય;
ભય ધરશે, ને ફાટી મરશે, જીવ્યાની ટળી અવધ્ય.
નહીં મળે ફરી, કોકીલા સ્વરી, શે ઉપન્યો વિખવાદ;
મનગમયંતી, બોલ દમયંતી, નળે માંડ્યો સાદ.
વિશ્વ મોહિની, સૃષ્ટિ દોહિની, સુંદરી સુજાણ;
વિરહિણી વલ્લભ, દર્શન દુર્લભ, બોલ પિયુના પ્રાણ.
વન ફરતો, રુદન કરતો, જોતો આવ્યાની વાટ;
કલીએ ચરણ ધરણનાં ભુંસ્યા, વન કીધું નિર્વાટ.
વડડાળે ભૂપાળ વળગ્યો, તે રુએ હ્રદયા ફાટે;
મોહ ધારણ, કર્મ કારણ, કહે ભૂજ દેઈ લલાટે.
રાય વિલપે, ઘણું કળપે, સંભારે સુખ સ્નેહ;
કબુધ આવી, મંન ભાવી, અન્યાએ દીધો છેહ.
અજગર, વાઘ, વરુ, નાગ, છે દારુણ વનની હદ્ય;
દોહલે પામી, ગજગામી, દેવ ગયા નિર્મુખ;
સ્વયંવર સાથ, સાંભળી વાત, સર્વ પામશે સુખ.
કોણ નેત્ર લુહે, રાય રુએ, એવે શબ્દ સાંભળ્યો ગાઢો;
લોહ પ્રેમજળ, મૂકાવ રાય નળ, બળતાને બાહેર કાઢો.
સાંભળી વાણી, જાણી રાણી, રોઈ રોઈ બેથો સ્વર;
હરખે ભરાયો, સ્વરે ધાયો, વીરસેન કુંવર.
પાડે બરાડા, બળે દવાડા, તરફડે મોટો વ્યાળ;
કહે દયાસિંધુ, દીનબંધુ, કાઢ નળ ભૂપાળ.
વહ્નિ વરદાન, ગયો સુજાણ, નાગે કીધો નમસ્કાર;
આપ પ્રાણદાન, હો ગુણવાન, કાંઈ હું એ કરીશ ઉપકાર.
વિષથી ન બીધો, નગ લીધો, જોજન દેહ પ્રમાણ;
ખાંધે ચહડાવી, મૂક્યો બહાર લાવી, શાતા પામ્યો પ્રાણ.
પુણ્યશ્લોક સાચા, વિપ્ર વાચા, મળ્યો વૈદર્ભીકાંત;
પૂછે નળ, દાધો સબળ, મુને કહે માંડી વૃત્તાંત.
વલણ
વૃતાંત કહે ભાઈ કોણ છે, પામ્યો બહુ પરિતાપરે;
સર્પ કહે રાય સાંભળો, મુને હવો ઋષિનો શાપરે.
(પૂર્ણ)