નળાખ્યાન/કડવું ૩૬
← કડવું ૩૫ | નળાખ્યાન કડવું ૩૬ પ્રેમાનંદ |
કડવું ૩૭ → |
સ્વપ્નું આવ્યું નારને, મૂકી જાય છે નાથ;
જાગી ઉઠી અચાનકે, ગ્રેહવા પ્રભુનો હાથ.
વૈદર્ભી થઊ ગાભરી, વળી જુએ ચોપાસ;
અમ અબળાના હૃદે કારમાં, બીહું તમારે હાસ.
જોયું વંન ફરી ફરી, સમ દેઇ કીધા સાદ;
પછી રુએ બહુ વિધકરી, પામી અતિ વિષાદ
રાગ મારુ.
અમો અબળા માણસ બીજે, નવ કીજે હાસ, હો નળરાય;
કેમ ધીરજ ધરું હું નારી, તમારી દાસ, હો નળ૦
રાત્ર અંધારી તો માહરી. વલે કોણ થાશે, હો નળ૦
તમ ચર્ણ કેરી આણ, પ્રાણ મુજ જાશે, હો નળ૦
આહાં તો બોલે સાવજ, નાગ વાઘ ને વરુ, હો નળ૦
બોલો બોલો વાહો છો ક્યમ, સમ હું તો મરું, હો નળ૦
હાંહાંજી જાઓ છો હાડ, રાડ થશે ફાંસુ, હો નળ૦
અગોપ રહ્યા ન આવે દયા, દેખી આંખડીએ આંસુ, હો નળ૦
તમારાં પાલાં ન વ પેખું કંથ, પંથ કેમ લહું રે, હો નળ૦
નિશા અંધારી ભયાનક, સ્થાનક કેમ રહુંરે, હો નળ૦
નૈષધ દેશની રાણી, તાણી અતીસેં રોયરે, હો નળ૦
પ્રભુજી અંગ અવેવ મારા, તારા જોયરે, હો નળ૦
ઘેલી સરખી ચાલે, વાહાલે વછોડીરે, હો નળ૦
માંડ્યું વલવલવું જોવું રોવું મૂક્યું છોડીરે, હો નળ૦
વલવલતી વૈદરભી વાટે, ઉચાટે ભરી, હો નળ૦
કારણ સ્વામી શુંય, હુંય પરહરી, હો નળ૦
વહાલા નવ દીજે છેય, નેહ વિચારો, હો નળ૦
કર્મે વાળ્યો આડો આંક, શો મારો. હો નળ૦
વલણ
શો અપરાધ મારો સ્વામી, દારુણ વનમાં મૂકી ગયારે;
અલ્પ ભ્રાંતે હું તજી, અંતર ન ઉપજી દયારે.
(પૂર્ણ)