લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૪

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું ૩ નળાખ્યાન
કડવું ૪
પ્રેમાનંદ
કડવું ૫ →
રાગ:આશાવરી.



નારદનાં વચન સુણી, બોલ્યા નૈષધધણી;
ભીમક તણી કુંવરી છે, કહેવી ફૂટડી રે.

ઢાળ

ફૂટડી કેહેવી દમયંતી, કહો તેહેનું વીખાણ;
નારદ કહે રે ભોળો, વીરસેન સુત સુજાણ.
ગુણ ચાલ ને ચાતુરી, અદ્ભુત સુંદર વેશ;
તેહને હું કેમ વર્ણવું, વર્ણવી ન શકે શેષ.
બુદ્ધિ પ્રમાણે માનનીનું, કરું છું વરણંન;
જ્યમ સાગરમાંથી ચાંચ જળની, ભરે પક્ષીજંન.
દમયંતીનો ચોટલો, દેખી અતિ સોહાગ;
અભિમાન મૂકી લજ્જા આણી પાતાળ પેઠો નાગ.
ભીમકા સુતાનું વદન સુધાકર, દેખીને શોભાય;
ચંદ્રમા તો ક્ષીણ પામી, આભમાં સંતાય.
સૃષ્ટિ કરતાં બ્રહ્માજીએ, ભર્યુંતેજનું પાત્ર;
તે તેજનું પ્રજાપતિયે ઘડ્યું, દમયંતીનું ગાત્ર.
તેમાંથી કાંઇ શેષ વધ્યું, ઘડતાં ખેરો પડિયો;
બ્રહ્માએ એકઠું કરીને, તેનો ચંદ્રમા ઘડિયો.
નળ કહે નારદને, એ વખાણ ભાવ ના પહોંતો;
દમયંતી હમણાં અવતરી, ચંદ્ર પહેલો નહોતો?
નારદકહે બ્રહ્માજીએ, સૌ પહેલી ઘડીને રાખી;
પણ પૃથ્વિમાં અવતારી નહિ, ભરથાર એવા પાખી.
વિરંચિએ વૈદર્ભી નાંખી, ઉદય હવડે પામી;
તેજો અહિંયાં અવતરી, તો નિર્મ્યો હશે કો સ્વામી.
નળ કહે આગળ વિસ્તરો, એ ભેદ મેં સાંભળિયો;
ચંદ્ર પહેલાં ચતુરાં, સંદેહ મનનો ટલિયો.
નારદ કહે સાંભળો રાજા, મીન ને મધુકર;
નેત્ર ભ્રુકુટી દેખિને, જળ કમળ કીધાં ઘર.
નાસિકા વેસર દેખીને, કળાધર ને કીર;
તેને અરણ્ય પર્વ સેવિયાં, ધારી શક્યા નહિ ધીર.
દમયંતીના અધર દેખી, પેટ વેધ્યું પ્રવાળી;
એ કામિનીનો કંઠ સાંભળી, કોકિલા થઇ કાળી.
રસના વાણી સાંભળી,સરસ્વતીને આવ્યો વૈરાગ;
કુંવારી પોતે રહી, સંસાર કીધ્યો ત્યાગ.
દંત દેખી દાડમ ફાટ્યું, કપોત સંતાડે મહોને;
તે નાદ કરતો ફરે વનમાં, કહે દુઃખ કહું હું કોને.
દમયંતીનાં કુચ દેખી, હાર્યું કુંજર કૂળ;
તે હીંડતાં ચાલંતા હાથી, માથે ઘાલે ધૂળ.
હસ્તકમળથી કમળ હાર્યું, જળમાં કીધું ઘર;
ઉદર દેખી દમયંતીનું, સુકાયું સરોવર.

વલણ.

સરોવર સુકાયું સાંભળી, નળરાય મનમાં રંજ્યા;
દમયંતીના જંઘા દેખી, કેળ રહી કાક વંઝા.

-૦-