લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૪૭

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૪૬ નળાખ્યાન
કડવું ૪૭
પ્રેમાનંદ
કડવું ૪૮ →
રાગ રામગ્રી.


બ્રાહ્મણ ચાલ્યો અનુચર વેશજી, અટણ કરતો દેશદેશજી;
કળા પાડી વરવું ગાત્રજી, જીર્ણ વસ્ત્ર ગ્રહ્યું તુંબીપાત્રજી.
ઢાળ.
પાત્ર કરમાં રહિત જોખમ, જ્યેષ્ટિકા જીર્ણ વસન;
દુઃખી દરિદ્રી સરખો દેખીએ,જદ્યપિ છે સંપંન
નિરખે ઓવારા નવાણના, જ્યાં નીર ભરતી નાર;
જોયાં જુથ જુવતીતણાં,પણ ન જડી ભીમકકુમાર;
તીર્થ જાત્રા જગન જાગ્રણ, જ્યાં સ્ત્રીઓનો સંવાય;
અજાણ્યો થઇ જુએ બ્રાહ્મણ, શીશ ધુણીને જાય.
પગે અટણ રસનાએ રટણ, મુખે દમયંતીનું નામ;
એમ કરતાં સુદેવ આવ્યો, રાજમાતાને ગામ.
વિપ્ર પુરમાં આવિયો, વધામણી પામ્યો તર્ત;
સાંભળ્યું જે રાજમાતા, ઉજવે છે વર્ત.
પૂર્ણાહુતિ વેળા હુતી,જોવા મળ્યાં બહુ જન;
દાસી સાથે દમયંતી કરે, પંથીનું દર્શન.
અપૂર્વ મનુષ્યનું કરે દર્શન, નીરખે નરની કાય;
વિચાર એવો વૈદર્ભીને, આવી મળે નળરાય.
વેદ અધ્યયન કરે વાડવ, અભિષેક આશીર્વાદ;
કિંકરી બહુ ગીત ગાયે,હોય ભેરી નાદ.
દીક્ષા લેઇ સુબાહુ, બેઠો તેજસ્વી જન;
હુતદ્રવ્ય હોમાએ વિવિધ પેરે, ધુમ્ર ગયોરે ગગન;
દાન આપે ગાય સવચ્છી,રાય ભર્‍યો અહમેવ;
જગન કેરા કુંડની આગળ, આવી રહ્યો સુદેવ.
દેહ દુર્બળ રેણુએ ભર્‍યો, જ્યેષ્ટિકાએ તુંબી ભરાવ્યું;
સભા સર્વ ખડખડ હસી, આ રત્ન ક્યાંથી આવ્યું.
જગ્નમંડપ જોયો નહીં, નહીં જોયો દિક્ષિત નરેશ;
ઘેલો જસો આવ્યો ધસ્યો, સર્વને મારે ઠેસ.
લોક કહે હો ઘેલીયા, ટેહેલીયા અંતરના અંધ;
ભિક્ષુક ભ્રષ્ટ વિકળ દષ્ટ;શો સ્ત્રી સાથે સંબંધ.
કહ્યું કોનું નવ સાંભળે, છે કલેવરમાં કષ્ટ;
એવે સુદેવ ને દમયંતીની, મળી દષ્ટે દષ્ટ.
નિમેષ થાતી રહી નયણે, વિચારમાં પડ્યાં બેહ;
મારે પિયરથી પધારિયો, સુદેવ સાચો એહ.
વિપ્ર કો વિદર્ભનો એ, નહાનપણ મધ્ય નેહ.
માંહોમાંહે જોયાં કરે, સર્વને થયો સંદેહ.
ગુરુએ ગોરી ઓળખી, જડ્યું અબળાનું એંધાણ;
ભામિનિના ભાલ ઉપર, વિધિએ નિર્મ્યો ભાણ.
અગોપ રાખતી માસી મંદિર, કેશકેરી લટ;
ખસી વેણી સૂરજ ઝળક્યો,હૃદે ભરાયું ઉલટ.
સમીપ આવ્યાં સામ સામાં, નેત્ર જળ જેમ નેવ;
સાથે બન્યો બોલિયાં, હો દમયંતી સુદેવ.
વલણ.
સુદેવ દમયંતી મળ્યાં, ધરણી ઢળ્યાં મૂર્ચ્છા હવીરે;
સભા સર્વ વિસ્મય થઇ,આ તો વાર્તા દીસે નવીરે.

(પૂર્ણ)