લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૫૪

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૫૩ નળાખ્યાન
કડવું ૫૪
પ્રેમાનંદ
કડવું ૫૫ →
રાગ ગોડી.


દમયંતી કહે દાસીને, સુણ સાધવી;
છે વિપ્રનો વાયદો આજ, મહિલા માધવી.
ઠેઠ ઋતુપર્ણ આવશે, સુણ સાધવી;
જો હોશે નળ મહારાજ, મહિલા માધવી.
અવધ પહોંતી છે વનતણી, સુણ સાધવી;
થયા ત્રણ સંવત્સર, મહિલા માધવી.
એવડા અવિનય શા વસ્યા, સુણ સાધવી;
પ્રભુ ફરી ન તપાસ્યું ઘર, મહિલા માધવી.
ન સંભાર્યાં બાળક બઢુઆં, સુણ સાધવી;
કઠણ પુરુષનાં મન, મહિલા માધવી.
હું મોઇ જીવી જોઈ નહીં, સુણ સાધવી;
બેઠ્યું હશે કેમ વંન, મહિલા માધવી.
ઓ વાયસ બોલે બારણે, સુણ સાધવી;
વળી ફરકે ડાબું અંગ , મહિલા માધવી.
શું મનનો માન્યો આવશે, સુણ સાધવી;
થાશે શુકનકેરાં ફળ, મહિલા માધવી.
શ્રવણે વધામણી સાંભળું, સુણ સાધવી;
કો કહે પધાર્યા નળ, મહિલા માધવી.
વધ થાશે વેરી વિયોગનો, સુણ સાધવી;
ગયો જડશે સંજોગ, મહિલા માધવી.
વીરસેન સુત આવશે, સુણ સાધવી;
ત્યારે ટળશે સઘળો રોગ, મહિલા માધવી.
કો કહેશે આવી વધામણી, સુણ સાધવી;
નથી આપવા સરખી વસ્ત, મહિલા માધવી.
અર્પીશ હાર હૃદયતણો, સુણ સાધવી;
પ્રણમીશ જોડીને હસ્ત, મહિલા માધવી.
બારીએ બેસી નિહાળીએ, સુણ સાધવી;
એવે ઉડતી દીઠી રજ, મહિલા માધવી.
આ રથ આવે છે ગરજતો, સુણ સાધવી;
વળી ફરકે ગગને ધ્વજ, મહિલા માધવી.
ઓ પડઘી પડે અશ્વચરણની, સુણ સાધવી;
એ હાંકણીમાં છે વિચાર, મહિલા માધવી.
ઓ પરોણો ઉંચો ઉછળે, સુણ સાધવી;
હોય નળનો મુખ ટચકાર, મહિલા માધવી.
રથા આવ્યો ગામને ગોવાંદરે, સુણ સાધવી;
હા હોય અયોધ્યાભૂપ, મહિલા માધવી.
દીસે સુદેવ મેલે લુગડે, સુણ સાધવી;
પણ હાંકણકાર કરુપ, મહિલા માધવી.
વલણ.
કરુપ ખેડણ રથતણો, ક્યમ કહીએ એ નળરાયરે;
અવસ્થા જોઇ ગામની, ઋતુપર્ણ, દુઃખિયો થાયરે.

(પૂર્ણ)