નળાખ્યાન/કડવું ૫૬
← કડવું ૫૫ | નળાખ્યાન કડવું ૫૬ પ્રેમાનંદ |
કડવું ૫૭ → |
રાગ કેદારો.. |
ભૂપ ભીમક સ્તુતિ કરે ઘણીરે, ભલે પધાર્યા અતોધ્યા ધણીરે;
થાકા અવેવ દીસે દેહેનારે, એઅલા શેં નથી સેનારે.
હય દુર્બળે વળીયો છેકરે, સારથિ સંસાર વત્રેકરે;
કાંઇ અટપટું સરખું દીસરે, એહવે બાહુક બોલ્યો રીસેરે.
ઋતુપર્ણ મુકો રથ તાણીરે, ઉઠો ઘોડાને કરો ચારપાણીરે;
નાખ્યો પરોણો ને રાસરે, જઇ બેઠો ઋતુપર્ણ પાસરે.
આવે લાગતો રાય આઘો ખસેરે, સભા મુખે વસ્ત્ર દેઇ હસેરે;
તેમ મચમચાવે આંખડીરે, ખોળામાં વસ્ત્રની ગાંઠડીરે.
ઋતુપર્ણને બાહુક પૂછેરે, કાં વહેવાનો વિલંબ શું છેરે;
રાજા રાખે શાને વારીરે, તેમ બાહુક બોલો ખંખારીરે.
ઋતુપર્ણને પૂછે ભીમકરે,આ શું સખા કરે છે જકરે;
એ મિત્ર ક્યાંથી ઉપરાજ્યોરે, જેથી કામ હીંડે છે લાજ્યોરે.
કોહો કાંહાંથી આવ્યા રાણારે, ઘણું થાકા રેણ ભરણારે;
ઋતુપર્ણ કહે આ ભીયા ગુણીરે, નથી એકુ વિદ્યા ઉણીરે.
કોઇ વિદ્યાએ ન જાય વાધીરે, તે માટે મૈત્રી બાંધીરે;
રથહાંકણી વિદ્યા હાથેરે, મેં મૃગયા તેડ્યા સાથેરે.
વન ભમતાં થયો અતિકાળરે, આંહાં આવી ચહડ્યા ભૂપાળરે;
ભીમક કહે કીધી કરુણારે, આજ સહેજે સ્વામી પહરુણારે.
ભૂપ ભીમકે હલફલ કીધીરે, રસોઇની આજ્ઞા લીધીરે;
ભૂપ ભાહુક છે તે ભેદીરે, આ ભીયા છે આત્મનિવેદીરે.
વલણ.
આત્મનિવેદી છે સારથિ, હસ્યો ભીમક ભૂપાળરે,
અન વમન થાય દર્શને તે, આવડો શો સુગાળરે.
(પૂર્ણ)