લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૫૯

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૫૮ નળાખ્યાન
કડવું ૫૯
પ્રેમાનંદ
કડવું ૬૦ →
રાગ કાફી.


વિનય સગાથે બોલ્યાં, વૈદરભી સુંદરી;
શા માટે ઉઠી જાઓ છો, તેડાવ્યા ખપ કરી.
અમને રહેવું ઘટે, બાંધી અંતરપટે;
બોલું કેમ પ્રગટે, પરપુરુષ નિકટે.
બેસોજી બાજઠે, બોલોજી ઉલટે;
ન પૂછું કપટે, બોલવું નિર્મળ ઘટે.
પુરુષ છેડાયો હઠે, ચાલે પોતાની ચટે;
હીંડે નારીને નટે, લાજે નહીં રાજવટે.
જે નર જન મને કાળા,મુખે વિષની જ્વાળા;
મૂકે વિજોગનાં ભાલાં, કેમ સહી શકે બાળા.
બાહુકજી છો આચારી, સુણો વિનતિ મારી;
કો એમ મૂકે વિસારી, દોહેલે પામી નારી.
નવનવા નેહ ઉદે, વહાવાના વાયક વદે;
ભરી હોય જો મદે, પુરુષનાં કઠણ હૃદે.
વળગી હીંડે કાંડે,નવનવી પ્રીત માંડે;
જણાય દુઃખને ટાંડે, સ્નેહીને નિશ્ચે છાંડે.
જાણિયે મળિયે વહેલાં, દેખીને થઇએ ઘેલાં;
નારી ન પ્રીછે પહેલાં, પુરુષનાં મન મેલાં.
વહાલપણાં કહીએ ગયાં, મુખે કહેતા આભૈયા,
વજ્રપેં કઠણ હૈયાં, તરછોડ્યાં નાનાં છૈયાં.
બ્રહ્માએ પુરુષ ધડિયા,નારીને જીવે જડીયા;
દુઃખના દહાડા પડિયા, વેરીડા થઇ નિવડિયા.
પ્રીતડી જેની વ્યાપિ, તેને મારે અદ્યાપિ;
ફળ બે રૂડાં આપે, વૃક્ષને થડથી કાપે.
રખે મારી વેલ શૂકે, પ્રવાસ જળ વહેતું મૂકે;
તે જાણી ચતુરા શું ચૂકે, ફરી આવી ન ઢૂંકે.
જે સ્થળનું જળ પીજે, શલ્યા ત્યાં કેમ દીજે;
જેપર દયા ધરીજે, તેનો જીવડો નવ લીજે.
જેનો હાથ ગ્રહીએ, તેને મૂકી નવ જઇએ;
અમો અબળા છઇએ, વેદના કોને કહીએ.
જેને પામી માનવ જને, દેવતા ન આણ્યા મને;
તેને ન મૂકીએ વને, રાખીએ પોતાકને.
બેસી એક પાટે, કામિની કપટઘાટે;
થોડા અન્યાયમાટે, ન મૂકીએ ઉજડ વાટે.
અબળાનાં કોણ બળ, કદળીપેં કોમળ;
નયણે ભરે જળ, કડવાં કર્મનાં ફળ.
વનમાં વાઘ ગાજે, પાવલીએ કાંટા ભાંજે;
બીજા લોકને દાઝે, શઠ સ્વામી નવ લાજે.
વનમાં રામા રુવે, કોણ આંસુડાં લુએ;
ફરી તપાસી ન જુએ, પોતાનું ફળ વગુએ.
આવી ઘર અલેખે, વગડામાં ઉવેખે;
સ્વામી ન આવે તેખે, વેરીડા દેવ દેખે.
ન જાણે નાર મોરી, છે છત્રપતિની છોરી;
અજગરે ગળી ગોરી, ચતુરાની શી ચોરી.
નયણે આંસુ રેડે, પારધિ લાગો કેડે;
તારુણીને તેડે, છબીલીને છંછેડે.
મળ્યા લંપટ લોકો કામી, કેમ જીવે ગજગામી;
કુળને ન લાગે ખામી, ન બોલે શઠ સ્વામી.
નીચપણું નફેટ, કુળ લજાવ્યું નેટ;
કરી માસીની વેઠ, પ્રેમદાએ ભર્યું પેટ.
કર્મની લાંબી દોરી, ચઢી શિર હારની ચોરી;
ન જાગે નાથ અઘોરી,ભાંગો શીર ઇંધણધોરી.
ન કરે પ્રેમદાની મીટ, વળી હવે આડી લીટ;
પુરુષ હૈયાના ધીટ, મન જેહેવાં વજ્રકીટ.
કહેતાં નહીં આવડે, દુઃખે હૈયાં ધડચડે;
ખોટું આળ ચહડે, ગગન ત્રુટી પડે.
પૃથ્વી જાય પાતાળે, સતીને જૂટે આળે;
વિચાર ભણી ન ભાળે, જાણે કૂડી ગાળે.
જે કો વિશ્વાસ કરે, પુરુષનો આધાર ધરે;
તે ઘેલી શીદ ઠરે, રોઇરોઇને મરે.
ખપ કરીને વરી, દુઃખની અંતે કરી;
બાહુક કહો વાત એ ખરી, તેને કાંઇ પૂછશે હરિ.
છે કર્મની વસમી ગતિ, ભૂશી નવ જાયે રતિ;
શત્રુ થયો પ્રજાપતિ, બ્રહ્માને દયા નથી.
ભલાનો વેરી બ્રહ્મા, કઠણ તે કૃતવર્મા;
લખે લેખ કર્માદર્મા, ક્લેશને ઘાલે ઘરમાં.
વલણ.
ક્લેશ ઘાલે ઘરવિષે, પ્રજાપતિ કઠણ ઘણું;
બાહુકજીને પ્રશ્ન પૂછે, જોયું ડહાપણ તમતણુંરે

(પૂર્ણ)