લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૬૪

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૬૩ નળાખ્યાન
કડવું ૬૪
પ્રેમાનંદ
રાગ ધવલ ધન્યાશ્રી.


લજ્જાકૂપમાં ભૂપતિ પડિયો, ઉંચું ન શકે ભાળીજી;
ચતુરશિરોમણી નૈષધનાથે, વેળા વાત સંભાળીજી.
ભીમકરાયના પુત્રની પુત્રી, સુલોચના એવું નામજી;
દમનકુંવરતણી તે કુંવરી, શુભ લક્ષણ ગુણધામજી.
અનંગ અંગના સરખી સુંદર, દમયંતી શું બીજીજી;
ઋતુપર્ણને તે પરણાવી, દમયંતીની ભત્રીજીજી.
પહેરામણી ઘણું પ્રીતે આપી, સંતોષ્યો ઋતુપર્ણજી;
અયોધ્યાપતિ ચાલ્યો અયોધ્યા, નમી નળને ચર્ણજી.
પરસ્પરે આલિંગન દીધાં, નળે આપી અશ્વવિદ્યાયજી;
પંચ રાત્રી રહ્યાં સ્ત્રીપુત્ર સાથે, પછે થયા વિદાય નળરાયજી.
પ્રજા સર્વ સંગાથે લઇને, ભેટી નૈષધ જાયજી;
ના વિધનાં વાજીત્ર વાજે, શોભા ન વર્ણી શકાયજી.
ચતુરંગ સૈન્ય બહુ ભીમકે આપ્યું, સાથે થયો નરેશજી;
નળ રાજા ઘણા જોધ્ધા સંગાથે, આવ્યા નૈષધ દેશજી.
તે સમાચાર પુષ્કરને પોહોંતો, તેમ જ ઉઠ્યો રાયજી;
પ્રજાસંગાથે સામો મળવા, પ્રીતે પાળો પળાયજી.
હયદળ પાયદળ ગજદળ રથદળ, કળ ન પડે કેકાણજી;
પ્રબળદળ સકળ પુરવાસી, નિરખવા નળ તરસે પ્રાણજી.
વાહન કુંજર ધજા અંબાડી, મેઘાડંબર છત્રજી;
કનક કળશ ઘટા બહુ ધમકે, શોભે સુરીયાં પત્રજી.
ભેરી ભેર મૃદંગ દુંદુભિ, પટહ ઢોલ બહુ ગાજેજી;
વેણા વેણુ શરણાઇ શંખધુની, તાળ ઝાંઝ ઘણું વાજેજી.
ઉદધિ પર્વણી જાણે ઉલટ્યો, ચંદ્ર પૂર્ણ નળ માટજી;
શ્રવણ પડ્યું સંભળાય નહીં, થઇ ભારે ભીડ પુરવાટજી.
ભીમકનંદન કહે નળ પ્રત્યે, સૈન્યને આજ્ઞા દીજેજી;
પુષ્કર આવ્યો ક્રોધ ધરીને, સજ થાઓ જુધ્ધ કીજેજી.
નળ કહે ત્રણ શાલક પ્રત્યે, મિથ્યા વિરોધ વિચારજી;
પુષ્કરનું મન થયું નિર્મળ, નાશ પામ્યો કળી વિકારજી.
સાધુ પુરૂષને કુબુધ્ધિ આવે, તે તો પૂર્વકર્મનો દોષજી;
પુષ્કરે કીધું કળીનું પ્રેરયું, કહે વિચારી પુણ્યશ્લોકજી.
ધ્રુવ ચળે રવિ પશ્ચિમ પ્રગટે, પાવક શીતળ હાથજી;
વિધિ ભૂલે નિધિ સાતે સૂકે, પુષ્કર ધનુષ ન સાયજી.
એમ ગોષ્ઠિ કરતો પુષ્કર આવ્યો, બંધન કરી નિજ હાથજી;
દંડવત્ત્‍ કરતો ડગલાં ભરતો, ઘણું લાજતો મન સાથજી.
નળ ઉઠ્યો બાંધવને દેખી, ગ્રહી કર બેઠો કીધોજી;
મસ્તક સુંઘી પ્રશંસા કીધી, ભુજ ભરી હૃદયા લીધોજી.
એક આસને બેઠા બંને બાંધવ, શોભે કામ વસંતજી;
ત્યારે પ્રજાએ ઘણી પૂજા કીધી, આપી ભેટ અનંતજી.
પુષ્કરે ઘણું દીન ભાખ્યું, થયાં સજળ લોચનજી;
હું કૃતઘી કઠણ ગોઝારો, મેં દંપતી કહાડ્યાં વનજી.
ત્રણ અપરાધે વીપરીત કીધું, દીધું દારૂણ દુઃખજી;
સાત સમુદ્ર ન જાય શ્યામતા, ધોતાં મારું મુખજી.
પુષ્કર વીરને નળે સમજાવ્યો, કહીને આત્મજ્ઞાનજી;
એક ગજે બેઠા બેહુ બાંધવ, આવ્યા પુરનિધાનજી.
ધ્વજા પતાકા તોરણ બાંધ્યાં, ચિત્ર સાથિયા શેરીજી;
અગર ધૂપ આરતિ થાયે, વાજે ભેરી નફેરીજી.
ધવળ મંગળ કીર્તન ગાથા, હાથા કંકુમરોળજી;
ચહુટાં ચોક રસ્તાને નાકે, પ્રજા ઉભી ટોળે ટોળજી.
કુસુમ મુક્તાફળે વધાવે, ગોખ ચહડી નર નારીજી;
નૈષધ નગરીની શોભા સુંદર, શું અમરાપુરી ઉતારીજી.
અભિજિત લગ્ન મુહૂર્ત સાધી, નળ બેઠો સિંહાસનજી;
મળવા સર્વ સગાં આવ્યાં તે, વોળાવ્યાં રાજનજી.
જુધ્ધપતિ પુષકરને કીધો, નળે કીધા જગ્ન અનંતજી;
ધર્મરાજ કીધું નળરાયે, વરસ સહસ્ત્ર છત્રીસ પર્યંતજી.
નળના રાજ્યમાં બંધન નામે, એક પુસ્તકને બંધનજી;
દંડ શ્રીપાતને હાથે, ધન્ય વીરસેનનંદનજી.
કંપારવ ધજાને વરતે, પવન રહે આકાશજી;
કુળકર્મ પારધિ મૂક્યાં, જીવનો ન કરે નાશજી.
ભય એક તસ્કરને વરતે, કમાડને વિજોગજી;
હરખ શોક સમતોલ લેખવે, ત્યાજ વિષયના ભોગજી.
ચતુર્વરણ તો સર્વે શૂરી, જ્ઞાનખડ્‍ગ તીવ્ર ધારેજી;
દેહ ગેહ મધ્યે ખટ તસ્કર, પીડી ન શકે લગારેજી.
શૌચ ધર્મ દયા તત્પરી, આપે તે ગુપ્ત દાનજી;
હરિભક્તિ નથી તેનું નામ દરિદ્રી, જેને ભક્તિ તે રાજાનજી.
તેહ મુઓ જેની અપકીર્તિ પુંઠે, અકાળ મૃત્યુ ન થાયજી;
માગ્યા મેહ વરસે વસુધામાં, દૂધ ઘણું કરે ગાયજી.
માતાપિતા ગુરુ વિપ્ર વિષ્ણુની, સેવા કરે સર્વ કોયજી;
પરનિંદા પરધન પરનારી, કુદ્રષ્ટે નવ જોયજી.
એવું રાજ નળરાજે કીધું, પુણ્યશ્લોક ધરાવ્યું નામજી;
પછે પુત્રને રાજ આપી ગયા, તપ કરવા ગુણગ્રામજી.
અનશન વ્રત લેઇ દેહ મૂક્યો, આવ્યું દિવ્ય વિમાનજી;
વૈકુંઠ નળ દમયંતી પહોતાં, પામ્યાં પદ અવિધાનજી.
બહદ્દ્શ્વ કહે હો રાય યુધિષ્ઠિર, એવા હવા ન હોયજી;
એ દુઃખ આગળ તારાં દુઃખને, યુધિષ્ઠિર શું રોયજી.
કાલે અર્જુન આવશે રાયજી, કરીને ઉત્તમ કાજજી;
કથા સાંભળી પાયે લાગ્યો, મુનિવરને મહારાજજી.
યુધિષ્ઠિર કહે પરિતાપ ગયો મનનો, સાંભળી સાધુચરિત્રજી;
અવિચળ વાણી ઋષિ તમારી, સુણી હું થયો પવિત્રજી.
થોડે દિવસે અર્જુન આવ્યા, રીજ્યા ધર્મરાજાનજી;
વૈશંપાયન કહે જનમેજય, પૂર્ણ થયું આખ્યાનજી.
કરકોટક ને નળ દમયંતી, સુદેવ ઋતુપર્ણ રાયજી;
એ પાંચેનાં નામ લેતાં, કળજુગ ત્યાંથી જાયજી.
પુત પૌત્ર ધન ધાન્ય સમૃધ્ધિ, પામે વઈ નર નારજી;
બ્રહ્મહત્યાદિક પાપ ટલે ને, ઉતરે ભવજળ પારજી.
વીરક્ષેત્ર વડોદરા કહાવે, ગરવો દેશ ગુજરાતજી;
કૃષ્ણસુત કવિ ભટ પ્રેમાનંદ, વાડવ ચોવીસા ન્યાતજી;
ગુરુપ્રતાપે પદબંધ કીધો, કાલાવાલા ભાખીજી;
આરણ્યક પર્વની મૂળ કથામાં, નૈષધ લીલા દાખીજી.
મુહૂર્ત કીધું સુરતમાંહે, થયું પૂર્ણ નંદરબારજી;
કથા એ નળ દમયંતી કેરી, સારમાંહે સારજી.
સંવત સત્તર બેતાળો વર્ષે, પોષ સુદિ ગુરુવારજી;
દ્વિતીયા ચંદ્ર દર્શનની વેળા, થઇ કથા પૂર્ણ વિસ્તારજી.
તે દિવસે પરિપૂરણ કીધો, ગ્રંથ પુનિત પદબંધજી;
શ્રોતા વક્તા સહુને થાશે, શ્રીહરિકેરો સંબંધજી.
 
________________________________________
નળાખ્યાન સંપૂર્ણ.
________________________________________

(પૂર્ણ)