પંચીકરણ
પંચીકરણ અખો |
ચોપાઈ
પિંડબ્રહ્માંડનો કરૂં વિવેક, હરિજન તે જે દેખે એક;
પંચે ભૂતતણો વ્યાપાર, કરતાં દીસે દેહાકાર.
સમઝી લેતાં એ અનુક્રમ, સળંગસૂત્ર દીસે પરબ્રહ્મ;
અવ્યક્તથી નભ ઉપનું સાર, નભે પવનનો હવે વિસ્તાર.
પવને તેજ હવું ઉત્પન્ન, તેજતણું તે પાણી તંન;
પાણીથકી મહી પરગટ હોય, જેમ ઉત્પત્તિ પ્રલય તેમ જોય
વસ્તુવિષે સ્વભાવે શૂન્ય, તેમાં પ્રણવની ઉઠે ધુન્ય;
તે ઓંકાર જાણો ત્રિવર્ગ, તત્ત્વ બધાં તેના ઉપસર્ગ.
તેહતણો હું કહું વિસ્તાર, રાખી લેજો મન નિર્ધાર;
તમોગુણતણાં પંચમહાભૂત, રજના દેવ ઈંદ્રિય અદ્ભુત.
સત્વના ચતુષ્ટય ને પંચવિષે, તત્ત્વ ચોવિસ એ ભાગવત લખે
પચીસમી માયા સર્વદા, છવીસમા મહાવિષ્ણુ સદા.
નશાજાળ આમિષ ને અસ્ત, રોમ ચર્મ એપંચે વસ્ત
પિંડતણો એમ કરતાં વિવેક, પાંચે ભાગે પૃથ્વી એક.
શુક્ર શોણિત પ્રસ્વેદ ને લાળ, મૂત્ર આંસુ ને કફ જ જંજાળ;
પિંડતણો એમ કરતાં વિવેક, પાંચે ભાગે ઉદકજ એક.
ક્ષુધાપિપાસા કામનો ભોગ, ક્રોધાલસ્યતણો સંજોગ;
પિંડતણો એમ કરતાં વિવેક, પાંચે ભાગે તેજજ એક.
શ્વાસોશ્વાસ નાડી હેડકી, છીંક બગાસાં વાયુથકી;
પિંડતણો એમ કરતાં વિવેક, પાંચે ભાગે મારુત એક.
શબ્દ કરે ને શબ્દજ ગૃહે, દેહ વિકાશ સચરાચર રહે;
પાકવિમર્દન થાએ નાશ, પાંચે ભાગે છે આકાશ.
કઠણ ભાગ તે અવનીતણો, કલેદન તે પાણીનો ગણો;
ઉષ્ણ જ્યોતિ તે જાણો તેજ, પ્રસરણ તે વાયુનું હેજ.
સ્થિર વિવર આકાશના ધર્મ, એઅ પંચમહાભૂતનો જાણો
મર્મ એ ચૈતન જોગે જીવતા, જેમ સૂરજવડે કિરણ છે છતાં.
એવી બુદ્ધિ કરિ આલોચશે, તે નર બ્રહ્મમાં ભેળો થશે;
જીવપણું એમ પામે અસ્ત, અખા વિચારે ઉગરે વસ્ત.
પેલું ભૂત આકાશ કહાય, બીજું ભૂત તે કહિયે વાય;
ત્રીજું ભૂત તે તેજજ તાપ, ચોથું ભૂત તે પાણી આપ.
પાંચમું ભૂત તે કહીયે પૃથિવી, એ પાંચ ભૂત જોજો અનુભવી;
પાંચ કર્મેન્દ્રિય મનશું જાણ્ય, પેલું પગ ને બીજું પાણ્ય.
ત્રીજું ગુદ ને ચોથું લિંગ, પાંચમું મુખ તે વાણી પ્રસંગ
કર્મેન્દ્રિયો કહ્યાં એ પંચ, હવે જ્ઞાનેંદ્રિય કહું સંચ.
પેલું કર્ણને બીજું ચર્ણ, ત્રીજું નેત્ર ચોથો રસ મર્મ;
પાંચમી ઈંદ્રિય નાસા જાણ, એ જ્ઞાનેંદ્રિય પંચ પ્રમાણ.
અનુભવ ન વધે સમઝ્યા પખેં, હવે કહું તન્માત્રાવિષે;
શબ્દ વિષય છે કર્ણ જતણો, સ્પર્શ વિષયે તે ત્વચાનો ગણો.
રૂપ તેજ નેત્રોના વિષે, રસના રસ નાના વિધ ભખે;
ગંધ વિષય નાસા જાણવો, અખા ચતુષ્ટ હવે અનુભવો.
પેલું મન બીજું બુદ્ધિ વિચાર, ત્રીજું ચિત્ત ચોથો અહંકાર;
અંતઃકરણ ચતુષ્ટ નામ, એ સમજે બુધ્ય બેસે ઠામ.
એટલે તત્વ થયાં ચોવીસ, માયાસહિત ગણો પંચલીન,
હવે કહું ચૌદે દેવયા, ચૌદે ઈંદ્રિયને સેવતા.
કરણ શબ્દ પાલક દિગરાય, ત્વચા સ્પર્શ મારુત કેવાય;
નેત્રરૂપનો પાલક ભાણ, રસના રસનો વરુણજ જાણ.
નાસા ગંધનો પાલક મહી, એ જ્ઞાન દેવ દેખાડ્યા કહી;
હવે કહું કર્મેન્દ્રિય પાણ, મુખ અગ્નિ અધિષ્ઠાતા વાણ્ય;
ગુદ અંતર અધિષ્ઠાતા મૃત્યુ, કામ લિંગ બ્રહ્માનું કૃત્ય.
એક કર્મેન્દ્રિય કૃત્ય ને દેવ, હું કહું અંતઃકરણનો ભેવ;
મને મનન અધિષ્ઠાત, શશી, બુદ્ધિ બોધ બ્રહ્મા રહ્યા વશી.
બહુનામી ચિત્ત ચિંતનતણો, શેષ દેવ અહંકૃતનો ગણો;
ચૌદેંદ્રિયનાં કૃત્ય ને દેવ, પંચીકરણનો જાણો ભેવ.
નિપજે આતમદરશી જેહ, સમઝી વિચારી રાખે તેહ;
અવની ગળી જાય જળવિષે, જળને ત્યારે તેજજ ભખે.
તેજ જઈ લય થાએ વાય, અનિલ આકાશવિષે લે થાય;
જ્યારે નિઃસત્વ થયું આકાશ, ત્યારે થૌનો કહાવે નાશ.
પહેલી ઉત્પત્તિ પાછળ લે, તત્ત્વસંખ્યા એમ જાણી લે;
બુદ્ધિગોચર રાખે લેખ, કેને સંશય ન રહે રેખ.
ઈંદ્રી ને ઈંદ્રીના દેવ, પંચભૂતનાં કરતવ ભેવ;
સાંખ્યયોગે દેણો નિજ પિંડ, એક પિંડ તેમ સઘળી મંડ્ય.
સર્વ રૂપ જે ચૈતન્ય થયો, અગમ અગાધ જેમનો તેમ રયો;
નિર્ગુણ તે સ્વસ્વામી આપ, સગુણ નિમિત્તેં સઘળે વ્યાપ.
ચારે દેહતણો હવો એક, સમઝી લેવો વસ્તુવિવેક;
કારજકારણ એકએકનું, કૈવલ્ય કારણ છે છેકનું.
પરમ ચૈતન્ય દેહ કૈવલ્ય નામ, તેનું કાર્ય દેહ ચૈતન્ય ધામ;
ચૈતન્યકાર્ય વાસનાલિંગ, વાસનાકાર્ય દેહ સ્થૂળપ્રસંગ.
સ્થૂળનું કારણ વાસનાલિંગ, વાસનાનું કારણ ચૈતન્ય સુચંગ;
ઈશ્વર કારણ કૈવલ્ય દેહ, સમઝી રહે તો થાય વિદેહ.
નિર્ગુણ સગુણ એમ ગોચર થાય; લોમપ્રતિલોમજ પ્રીછયા જાય,
કાર્યકારણ તે સગુણજ ગણે, કારણ કાર્યથી નિર્ગુણ ભણે.
નિર્ગુણ સગુણ બુધ્યગોચર થાય. બ્રહ્મજ્ઞાનનો એજ ઉપાય;
લેખાવિના અલેખ નવ્ય જડે, અલેખ જાણ્યાવિના ભમવું પડે.
પંનરતત્ત્વ દેહજ સ્થૂળ, નવ તત્ત્વનું વાસના ઈ મૂળ;
ચૈતન્યમાત્ર તે ત્રીજું વપુ, ચોથું દેહ તે કૈવલ્ય જપું.
એમજ ચાલે કૃત્ય વિરાટ, સમઝે તે સમઝી લે ઠાઠ;
કાનતણો પાળક દિગરાય, શબ્દ પહોંચાડે લૈ વાસનાય.
વાસના પહોંચાડે ચૈતન અંગ, એમજ ચાલ્યો જાય પ્રસંગ;
ચોથાના સામરથનાં ત્રણ, જે એમ સમઝે તે નર ધન્ય,
ત્વચાતણો સ્વામી છે વાય, સ્પર્શ પહોંચાડે છે વાસનાય;
વાસના તે છે ચૈતનવડે, તે તે સર્વ કૈવલ્યને ચડે.
નેત્રતણો સ્વામી છે સૂર, રૂપ વાસના કરે હજૂર;
ઈશ્વરને પહોંચાડે તેહ, કૈવલ્યમાં ચાલ્યું જાય એહ.
રસનાનો સ્વામી છે વરુણ, તે રસ વાસનાને કરે શરણ;
કારણને પહોંચાડે ભોગ, કૈવલ્યસાથે સહુનો જોગ.
નાસાનો સ્વામી છે મહી, તે ગંધ પહોંચાડે વાસના જઈ;
વાસના લિંગ છે કારણભણી, મહાકારણ સર્વેનો ધણી.
વાસના જીવને જીવ વાસના, તે ચૈતન્ય ઈશ્વરની આભાસના;
તે ભોગવાવે અવસ્થા ચાર, જાગૃત સ્વપ્ન સુષુપ્તિ વ્યાપાર.
તુર્યાને મળે ત્યારે જીવ ટળે, કૈવલ્યમાંહી તે ત્યાં ભળે;
ત્રણ અવસ્થા સૂધો જોગ, હવે તેહનો કહું છું ભોગ.
જાગૃત ભોગવે નેત્રે રહી, સ્વપ્ન ભોગવે કંઠે જઈ;
હ્રદે લીન સુષુપ્તિ ભોગવે, ભમરગુફા તુર્યા જોગવે.
સંત વિવેકી જાણે એહ, દેહથક છે તેહ વિદેહ;
સઘળે ઘટમાં એવો ઠાઠ, સંત કહાવે સમજ્યા માટ્ય.
એ અનુભવે તે સ્વેં જાણવો, ઈયાં ઉપાય નથી કરવો નવો;
$$$ આપ પ્રીછ્યો જાય, બીજો ઈયાં ન કોય સહાય.
શરદઋતે જેમ નિતરે નીર, આપે આપનું પામે હીર;
એ સમજ્યાવિણ જે અધ્યાસ, તેથી સ્વરૂપનો હોયે નાશ.
એ છે પંચીકરણ મહાવાક્ય, તેની કોય ન પૂછશો સાખ્ય;
પોતાનું સમઝે જો પોત, એણે સ્વયં હોય ઉદ્યોત.
ખટ ઉર્મિ છે દેહને વિષે, કોય દેહ નોય ઉર્મિ પખે;
ઉષ્ણ શીત તે સ્થૂળ ભોગવે, ક્ષુધા પિપાસા પ્રાણ જોગવે.
હર્ષ શોક તે મનનો ધર્મ, ષટ ઉર્મિનો જાણો મર્મ;
સ્થૂળ સૂક્ષ્મ છે એનો ભોગ, કાર્ય કારણમાં રહે અમોઘ.
હર્ષ શોક વળી પુન્ય ને પાપ, દેવ પિતૃ ગ્રહનો આલાપ;
ગતે જાય અવગતિયો થાય, વાસના લિંગનો એહ ઉપાય.
વાસના લિંગે મહાસ્થૂળ લિંગ, વાસના ભંગ તો સ્થૂળનો ભંગ;
વાસનાની દૃષ્ટિ સ્થૂળ ઉપરે, તહાં લગી ઉપજે ને મરે.
વાસના કારણ સામી થાય, દૃષ્ટિ કૈવલ્ય દેહે જાય;
સંપુટ ઊઘડે જાય બરાસ, તેમ કૈવલ્યમાં સહુનો વાસ.
ત્યારે પાછું વળવા કોણ, જેમ સાગરમાંહી મળ્યું લુણ;
વાસના લીન થયા પછી દેહ, જેમ પર્વતપર વરસે મેહ.
ભરાણું નીર ઝરી નીસરે, પાછળ ઉમેરો કોણ કરે;
તેમ ચાલે જ્ઞાનીની કાય, જીવ ચિન્હ ત્યાં સરવે જાય.
ઈશ્વર ચિન્હ ઉપજે કદાચ, તહાં ન પહોંચે વૈખરી વાચ;
દેવ ચરિત્ર ન આવે હાથ, જીવ પહોંચે તેને સાથ.
પરા ષશ્યંતિ મધ્યમા વૈખરી, ત્રણ લિંગની સત્તા ખરી;
કારણ વાસના લિંગ ને સ્થૂળ, ત્રણ લિંગ વાસનાનું મૂળ.
પરાપારથી કારણ લિંગ, તે પોષતાં આવે તુરંગ;
બાહેર આવે ઘોષ વેરાય, ઉત્તમ મધ્યમ શબ્દ ચાલ્યા જાય.
પણ સમઝવો છે દેહનો ઠાઠ, બીજાં સાધન માયાનો ઘાટ;
આદર વોણી પામે મુક્તિ, જો રૂડી પેરેસમઝે જુક્તિ.
વૈકુંઠસુધી એક માંડણી, ત્રૈલોકસુધી જો જો ગણી;
ત્રૈલોકનાથ ધરી આવે દેહ, ઠાઠ સફળમાં તેહનો તેહ.
અવાચ્ય કહાવે કૈવલ્યનામ, તે અવ્યક્ત માયાનો વિશ્રામ;
અવ્યક્તવિષે કૈવલ્યનું ભાન, તેજ ધરે ઈશ્વરનું માન.
ઈશ્વરને અવસ્થા ત્રણ્ય, જાગૃત સ્વપ્ન સુષુપ્તિઆવર્ણ;
ઈશ્વરને જ્યારે સુષુપ્તિ થાય, માયાઉપહિત નામ કેવાય.
તેને જ્યારે સ્વપ્નજ થયું, ત્યારે હરિણ્યગર્ભ નામ પામિયું;
તે ઈશ્વર જ્યારે જાગૃત ભોગવે, ત્યારે વૈરાટ નામ સંભવે.
વિદ્યામાં પડતો આભાસ, એટલે હવો જીવ પ્રકાશ.
તેનું નામ ધરાણું જીવ, તે ત્રણ અવસ્થા ભોગવે સદૈવ;
સુષુપ્તિ સ્વપ્ન ને જાગ્રત, તેનો જીવ સાક્ષી અવિગત.
અવસ્થા ભોગવે સાક્ષી રહ્યો, તે ત્રણ આભાસે ભાસી રયો.
જાગ્રતમાં જે પડ્યો આભાસ, વિશ્વ નામ તેહનો પ્રકાશ.
તેને જ્યારે સ્વપ્નજ હવું, તૈજસ નામ ત્યારે અનુભવ્યું;
તેને જ્યારે સુષુપ્તિ હવી, પ્રાજ્ઞ-સંજ્ઞા ત્યારે અનુભવી.
આભાસ ભોગવે છે એ ત્રણ, પોતે સાક્ષીવત રયો અન્ય;
સત્તર તત્ત્વની ઈશ્વરકાય, પંચપ્રાણ દશ ઈંદ્રિય થાય.
મન બુદ્ધિ સહિત સત્તરે તત્ત્વ, પૂત્રાત્માનું તેમાં સત્ત્વ;
અપંચીકરણ ઈશ્વરનો દેહ, પંચીકરણ જીવ જે તેહ.
પંચીકૃતનું જીવશરીર, પંચભૂત દશમાંહિ સમીર;
કર્મેન્દ્રિય જ્ઞાનેંદ્રિય જ્ઞાન, પંચ વિષય તન્માત્રા ભાન.
મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને માય, ચૌદે દેવ તેના અધિષ્ઠાય;
સર્વ મળી ચાલે પરચાર, દશ વાયુનો કહું વિસ્તાર.
પ્રાણવાયુ ઊંચી ગત્ય કરે, અપાન તે નીચો સંચરે;
ઉદાન જળને તાણે કંઠ, વ્યાને સફળ શરીરની ગંઠ્ય.
સમાન સકળ રસ વેંચે ભાગ, દેવદત્ત ત્વચાને લાગ;
$$ રહ્યા ધરણીને ધરી, નાગ રહ્યો કુંડળી આવરી.
ધવિન ગમન ધનંજય કરે, સકળ સાંધામાં કુર્કટ પૂરે;
દશ વાયુનાં કૃત ને નામ, પંચકોશ કહું જીવનું ઠામ;
અન્નમયકોશ એકનું નામ, પ્રાણમયકોશ બીજાનું ઠામ;
ત્રીજો કોશ મનોમય એહ, ચોથો કોશ જ્ઞાનમય તેહ.
પંચમ છે આનંદમય કોશ, નામ ધરે જીવ અભિનિવેશ;
ત્રણ વિશેષણ ઈશ્વરતણાં, સત્ ચિત્ આનંદ નામે ભણ્યાં.
તેજ વિશેષણ જીવને વિષે, નામ ફેર કરી નવ ઓળખે;
અસ્તિ ભાતિ પ્રિય એ છે ત્રણ, એ એકતાનું કહું આચર્ણ.
અસ્તિ કેતાં સદા સત્યનું નામ, ભાતિ કેતાં ચિદને ઠામ;
આનંદ તે જે પ્રિય જાણવો, જીવેશ્વર એકતા અનુભવો.
ઊંઠ હાથ નામ જીવને વિષે, ચૌદ લોક ઈશ્વર આળખે;
તે માટે જીવ ઈશ્વર બે, બેઉ વિષે સૂત્રાત્મા રહે.
સુષુપ્તિ ભોગવે રદિયે રહી, સ્વપ્ન ભોગવે કંઠે જઈ;
જાગ્રત તે નેત્રે ભોગવે, તૂર્યા સૂત્ર સહુને જોગવે.
જીવેશ્વરની સરખી વર્ત્ય, ઈશ્વરશું હોયે એક સુર્ત્ય;
જીવભાવના જીવથી જાય, અનુસંધાન ઈશ્વરથી થાય.
એટલામાં જો રહે અભાસ, તો સાલોક્યેં વૈકુંઠવાસ;
વિશ્વાભિમાન વિરાટશું મળ્યું, સ્થૂલપણું સ્થૂલમાંહે ભળ્યું.
તૈજસનેં રે સ્વપ્નઅભિમાન, હિરણ્યગર્ભમાં થયું એક સાન;
તેજ ઈશ્વરતણું છે સ્વપ્ન, તેમાં તૈજસ પામ્યો પતન.
સામીપ્યમુક્તિ તેનું નામ, પ્રાજ્ઞાભિમાની સુષુપ્તિને ઠામ;
માયાઉપહિત પ્રાજ્ઞજ મળ્યો, સારૂપ્યે એકતમાં ભળ્યો.
તુર્યાવસ્થા ઈશ્વરતણી, સાયુજ્યમુક્તિ તેની ભણી;
સુત્રાત્માશું અનુસંધાન, જીવેશ્વર બેઉનું નિદાન.
જીવેશ્વર કેવા નવ રહ્યો, ત્યારે અપંચીકૃતપારે ગયો;
એ પ્રપંચ કલ્પી કીધો સમાવ, સદા નિરંતર છે તે સાવ.
પરા પશ્યંતિ મધ્યમા વૈખરી, પિંડબ્રહ્માંડવિષે ચારે ખરી;
સોહં શબ્દ વૈરાટને વિષે, એક સૂત્ર પિંડમાંહી લખે.
લેતાં શ્વાસથી ઉઠે સકાર, મુકે શ્વાસે થાય હકાર;
સકાર હકારનો હોય લોપ, ત્યાં ઓંકાર રહે વણઓપ.
તે ૐકાર અચિંત્ય અંકોર, ત્રિધા થાય અવાચ્યને જોર;
પરા તેજ અવ્યક્ત છે માય, પશ્યંતિ વિષ્ણુ સત્ત્વગુણ થાય.
મધ્યમા બ્રહ્મા રજોગુણ રૂપ, વૈખરી રુદ્ર સાધારણ ભૂપ;
ચારે વેદ ને ચારે વાણ્ય, સર્વે શબ્દતણું મંડાણ.
મંત્ર જંત્ર સર્વ શબ્દનો ઘાટ, શબ્દે બાંધ્યો સઘળો ઠાઠ;
એણી પેરે શોધે આપ, ત્યારે જાય અહંતા થાપ.
ચૌદ લોક એકે વૈરાટ, તેમાં ચાર ખાણના ઘાટ;
જેમ ઉદંબર વૃક્ષ થડથો મૂળે, મૂળટોચસુધી ફળ નીકળે.
તેમ ચૌદ લોકવીધી સૌ જંત, એમ વૈરાટ ફળ્યો છે તંત;
એ વિરાટ કહાવે બ્રહ્માંડ, રચ્યો પિંડ અસંખ્યાત માંડ.
સ્થૂળને જોતાં નાવે પાર, અંતર ઉતરે લાધે સાર;
એ લેખે દેહાભિમાન, જીવેશ્વરનું ટાળે ભાન.
એ પંચીકરણ છે મહાવાક્ય, એણે થાય અનુભવ પરિપાક;
જંતપણું જેને છે સત્ય, તેણે કરવું એવું નૃત્ય.
વેદતણાં વચન છે એહ, નિઃસંદેહ થાય સમઝે તેહ;
જીવનમુક્ત તે તેનું નામ, જેણે સંભાળ્યું મૂળગું ધામ.
નૈં અવતરિયાસરખો તેહ, જેણે એમ ન સંભાળી દેહ;
મુક્તિબંધનું નહિ અભિમાન, જ્યાં જ્ઞાતા નહીં જ્ઞેય ને જ્ઞાન.
ત્રિપુટીરહિત તે છેજ અવાચ્ય, તત્ત્વમસિપદ શોધ્યું સાચ;
શાસ્ત્રારથ તેણે પામ્યું જ્ઞાન, આત્માનુભવ હવું વિજ્ઞાન.
મહાપદમાં કલ્પ્યું એ દ્વૈત, તે સમઝ્યાથી થયું અદ્વૈત;
અહંબ્રહ્મ ને શબ્દજવિના, એ સમઝે અખા વેત્તા આપના.
શ્રી પંચીકરણ સમાપ્ત