લખાણ પર જાઓ

પછી શામળિયોજી બોલિયા

વિકિસૂક્તિમાંથી

પછી શામળિયોજી બોલિયા તુંને સાંભરે રે?
હા જી, નાનપણાનો નેહ મુને કેમ વીસરે રે?

આપણ બે મહિના સાથે રહ્યાં તુંને સાંભરે રે?
હા જી, સાંદીપનિ ઋષિને ઘેર,મુને કેમ વિસરે રે?

આપણ અન્નભિક્ષા માગી લાવતા તુંને સાંભરે રે?
હાજી જમતાં ત્રણે ય સાથ મુને કેમ વિસરે રે?

આપણે સુતા એક સાથરે તુંને સાંભરે રે?
સુખ દુખની કરતા વાત મુને કેમ વિસરે રે?

પાછલી રાતના જાગતા તુંને સાંભરે રે?
હાજી કરતા વેદનો પાઠ મુને કેમ વિસરે રે?

ગુરુ આપણા ગામે ગયા તુંને સાંભરે રે?
હાજી જાચવા કોઈ શેઠ મુને કેમ વિસરે રે?

કામ દીધું ગોરાણીએ તુંને સાંભરે રે?
કહ્યું લઈ આવો કાષ્ટ મુને કેમ વિસરે રે?

શરીર આપણાં ઉકળી ગયાં તુંને સાંભરે રે?
હાજી લાગ્યો સૂરજનો તાપ મુને કેમ વિસરે રે?

ખંભે કુહાડા ધરિયા તુંને સાંભરે રે?
ઘણું દૂર ગયા રણછોડ મુને કેમ વિસરે રે?

આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તુંને સાંભરે રે?
હાજી ફાડ્યું મોટું ઝાડ મુને કેમ વિસરે રે?

ત્રણ ભારા બાંધ્યા દોરડે તુંને સાંભરે રે?
હાજી આવ્યા બારે મેહ મુને કેમ વિસરે રે?

શીતળ વાયુ વાયો ઘણો તુંને સાંભરે રે?
હાજી ટાઢે થરથરે દેહ મુને કેમ વિસરે રે?

નદીએ પૂર આવ્યું ઘણું તુંને સાંભરે રે?
ઘન વરસ્યો મૂશળધાર મુને કેમ વિસરે રે?

એકે દિશા સૂઝે નહિ તુંને સાંભરે રે?
થાતા વીજ તણાં ચમકાર મુને કેમ વિસરે રે?

ગુરુજી નીસર્યાં ખોળવા તુંને સાંભરે રે?
દેતાં ગોરાણીને ઠપકો અપાર મુને કેમ વિસરે રે?

આપણ હૃદયા સાથે ચાંપિયાં તુંને સાંભરે રે?
હાજી તેડીને લાવ્યા ઘેર મુને કેમ વિસરે રે?