લખાણ પર જાઓ

અહિંસા

વિકિસૂક્તિમાંથી

અહિંસા એટલે કે મન, વચન અને કર્મથી સ્થૂળ કે સૂક્ષ્મ રીતે કોઇ પણ પ્રકારની હિંસા ન કરવી તેને અહિંસા કહેવામાં આવે છે.

સૂક્તિઓ[ફેરફાર કરો]

ગાંધીજી[ફેરફાર કરો]

 • સત્યનો, અંહિસાનો માર્ગ જેટલો સીધો છે એટલો જ સાંકડો છે, ખાંડાની ધારે ચાલવા જેવો છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર કરી ચાલી શકે છે તેના કરતાં પણ સત્ય, અંહિસાની દોરી પાતળી છે. જરા અસાવધાની આવી કે હેઠે પડીએ. પ્રતિક્ષણ સાધના કરવાથી જ તેનાં દર્શન થાય.
 • આ અહિંસા આજે આપણે જે જાડી વસ્તુ જોઇએ છીએ તે જ નથી. કોઇ ને ન જ મારવું એ તો છે જ. કુવિચાર માત્ર હિંસા છે. ઉતાવળ હિંસા છે. મિથ્યા ભાષણ હિંસા છે. દ્વેષ હિંસા છે. કોઇનું બૂરું ઇચ્છવું હિંસા છે. જે જગતને જોઇએ તેનો કબજો રાખવો એ પણ હિંસા છે. પણ આપણે ખાઇએ છીએ તે જગતને જોઇએ છે. જ્યાં ઊભા છીએ ત્યાં સેંકડો સૂક્ષ્મ જીવો પડ્યા છે તે કોચવાય છે; એ જગ્યા તેમની છે. ત્યારે શું આત્મહત્યા કરીએ? તો યે આરો નથી. વિચારમાં દેહનું વળગણમાત્ર છોડીએ તો છેવટે દેહ આપણને છોડશે. આ અમૂર્છિત સ્વરૂપ તે સત્યનારાયણ. એ દર્શન અધીરાઇથી ન જ થાય. દેહ આપણો નથી, તે આપણને મળેલું સંપેતરું છે, એમ સમજી તેનો ઉપયોગ હોય તે કરી આપણો માર્ગ કાપીએ.

દાદા ભગવાન[ફેરફાર કરો]

 • અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રધ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે.
 • સવારના પહોરમાં બહાર નીકળતી વખતે 'મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો' એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો.
 • નિરંતર અહિંસકભાવ ઉત્પન્ન કરવા જોઈએ. મને લોકો કહે છે કે, 'હિંસા અને અહિંસા ક્યાં સુધી પાળવી ?' મેં કહ્યું, હિંસા અને અહિંસાનો ભેદ મહાવીર ભગવાન પાડીને જ ગયા છે. એ જાણતા હતા કે પાછળ દુષમકાળ આવવાનો છે. ભગવાન કંઈ નહોતા જાણતા કે હિંસા કોને કહેવી ને હિંસા કોને ના કહેવી ? ભગવાન મહાવીર શું કહે છે કે હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.
 • આપણે એમને સમજ પાડવી જોઈએ. સમજ પાડીએ તો અહિંસા તરફ વળે કે 'ભઈ, આમાં, આ જીવમાત્રમાં ભગવાન રહેલા છે. તે તમે જીવોને મારશો તો એને બહુ દુઃખ થશે, તેનો તમને દોષ બેસશે અને તેથી તમને આવરણ આવશે અને ભયંકર અધોગતિમાં જવું પડશે.' આવું સમજણ પાડીએ તો રાગે પડે. જીવહિંસાથી તો બુધ્ધિ પણ બગડી જાય. એવું કોઈને સમજણ પાડો છો ?
 • આપણી ચૂસ્તપણે અહિંસા પાળવાની લાગણી હોય તો આપણે અહિંસા પાળવી. છતાં અમુક વ્યક્તિ ના માનતી હોય તો એને ધીમે રહીને સમજાવવી. એ ય ધીમે ધીમે સમજણ કરાવીએ, તેથી એ માનતી થાય. આપણો પ્રયત્ન હશે તો એક દહાડો થશે.
 • એ માકણ શું કહે છે ? 'જો તું ખાનદાન હોઉં તો અમને અમારો ખોરાક લેવા દે ને ખાનદાન ના હોઉં તો અમે એમ ને એમ જમી જઈશું, પણ તમે ઊંઘી જશો ત્યારે. માટે તું પહેલેથી ખાનદાની રાખ ને !' એટલે હું ખાનદાન બની ગયેલો. આખા શરીરે કૈડતા હોય ને, તો કૈડવા દઉં. માકણ મારા હાથમાં પકડાઈ હઉ જાય. પણ તેને અહીં પગ ઉપર પાછો મૂકી દઉં. નહીં તો ય પછી ઊંઘમાં તો આખુંયે જમી જાય છેને ! અને તે માકણ જોડે લઈ જવાનું બીજું વાસણ નથી લાવ્યો. એનાં પોતા પૂરતું ખાઈને પછી ઘેર જતો રહે છે અને પાછું એવું યે નથી કે નિરાંતે દસ-પંદર દહાડાનું ભેગું જમી લે ! માટે એને ભૂખ્યા કેમ કઢાય ?! હેય ! કેટલાં જમીને જાય, નિરાંતે ! તે રાતે આપણને આનંદ થાય કે આટલા બધા જમીને ગયા, બે માણસને જમાડવાની શક્તિ નથી ને આ તો આટલા બધાને જમાડ્યા !!
 • માકણ-મચ્છર-વાંદાઓ ન થાય તે માટે આપણે પોતું ને એ બધું કરવું જોઈએ, ચોખ્ખું રાખવું જોઈએ. વાંદાઓ જે થયા હોય, તેને પકડીને આપણે બહાર કોઈ જગ્યાએ, બહુ છેટે, ગામની બહાર છેટે જઈને નાખી આવવા જોઈએ. પણ એમને મારવા તો ના જ જોઈએ.
 • બહુ મોટો કલેક્ટર જેવો એક માણસ હતો. એને ઘેર મને એણે બોલાવેલો. મને કહે છે, 'માકણ તો મારી નાખવા જ જોઈએ.' મેં કહ્યું, 'ક્યાં લખ્યું છે એવું ?' ત્યારે એ કહે છે, 'પણ એ તો આપણને કરડે છે ને આપણું લોહી ચૂસી જાય છે.' મેં કહ્યું કે, તમને મારવાનો અધિકાર કેટલો છે એ તમને કાયદેસર રીતે સમજાવું. પછી મારો કે ના મારો, તેમાં હું તમને કશું નથી કહેતો. આ જગતમાં કોઈ પણ માણસ એક માકણ પોતે બનાવી આપે તો પછી મારજો. જે તમે 'ક્રિયેટ' કરી શકો છો, તેનો તમે નાશ કરી શકો છો. તમે 'ક્રિયેટ' નથી કરતા, એનો નાશ તમે કરી ના શકો.
 • એટલે જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો અધિકાર છે. તમે જો બનાવી ના શકતા હોય, જો તમે 'ક્રિયેટ' ના કરી શકતા હો તો મારવાનો તમને અધિકાર નથી. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો, કપરકાબી બનાવો તો ભાંગી શકો છો પણ જે બનાવી શકાય નહીં, તે મારવાનો તમને અધિકાર નથી.
 • અહીં બગીચો હોય અને બગીચાની બહાર વાડો હોય. અને વાડાની બહાર ગલકાં-દૂધી એ બધું લટકતું હોય, એના મૂળ માલિકના સ્પેસની બહાર લટકતું હોય તો ય પણ લોક શું કહે છે ? 'હેય, આ તો પેલા સલિયાની વાડી છે, ના તોડીશ. નહીં તો મિયાંભાઈ મારી મારીને તેલ કાઢી નાખશે.' અને કોઈ આપણા લોકોનું હોય તો લોક તોડી જાય. કારણ કે એ જાણે કે આ વાડી તો અહિંસક ભાવવાળાની છે. એ તો જવા દે. લેટ ગો કરે. અને સલિયો તો સારી પેઠ માર આપે. એટલે સલિયાની વાડી પરથી એક ગલકું કે દૂધી લેવાતું નથી, તો આ ભગવાનની વાડી પરનો માકણ શું કરવા મારો છો ? ભગવાનની વાડી તમે લૂંટો છો ?!!! આપને સમજમાં આવ્યું ? એટલે એક પણ જીવને ના મરાય.