લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૪૯

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૪૮ નળાખ્યાન
કડવું ૪૯
પ્રેમાનંદ
કડવું ૫૦ →
રાગ ગોડી.


કાયા કુસુમરુપે કિંકરીને, દેખી દાધો સુદેવ;
અજાણ્યાં થઇને ઇહાં રહ્યા, થઇ દાસી કીધી સેવ.
અન્યોન્યે વાત પૂછીને, હૃદયે પામ્યાં શોક;
રાજમાતા સુબાહુને, સુદેવે દીધો દોષ.
માસી મૂર્ચ્છા પામિયાં રે, હવો હાહાકાર;
દમયંતી પરદાસત્વ ભોગવ્યું,પ્રીછ્યો નહિ પરિવાર.
રાજમાતા લજ્જા પામ્યાંરે, આવ્યાં દમયંતી પાસ;
દીકરી દુઃખે દહાડા નિર્ગમ્યારે, વરત્યાં થઇને દાસ.
અધર્મ આળ ચહડાવિયુંરે, ઓછું આપ્યું અન્ન;
ભોજન પેટ ભરી નવ પામિયાંરે, વસતું લેખ્યું વંન.
છબીલી તું મુજને છાનું કહેત, તો નિશ્ચય ન પ્રગટત નેટ;
પરાધીન પિંડ પોખિયોરે, પરવશ ભરિયું પેટ.
રત્ન મારી દીકરી, મેં ગણી ઠીકરી;
વૈદરભી વિપત વેઠી ઘણીરે,ખોયું વપુનું વાન.
દાસપણે રહી બાપડીરે, તેણે દુઃખે હું બાળી;
દુર્બળ દારિદ્ર્‍ય જણાવિયુંરે,નહીં વાલની વાળી.
સુવાને કાજે સાથરોરે, વસ્ત્ર પહેરવાને જાડું;
શીતળ નીરે નાહી દીકરી ને, નહીં નેહેરીને નાડું.
દાધું કલેવર મારુંરે, ચીરી કોયલા કહાડું;
ફુલફુલી મારી દીકરીરે, અન્ન જમી દીધું ટહાડું.
હવે જીવીને શું કરંરે, વિષ ખાઇને પોહોડું;
થઇ ગોઝારી બેન આગળેરે,શું દેખાડીશ મોહોડું.
ઈંદુમતી મુખ સંતાડવીરે, હું થઇ છેક છછોરી;
હું ભુંડી ભવોભવ વાર્તારે, ચહડાવી હારની ચોરી.
લજ્જા સાગરમાં બૂડી ગયોરે, મસીઆઇ જે સુબાહુ;
સુત સૂરજને આવી ગ્રસ્યોરે, અપરાધ રુપીઓ રાહુ.
એમ ઓશિઆળાં સર્વ થયારે, બોલી દમયંતી વાણ;
માસી તમ ઘેર સુખ પામી ઘણુંરે, સાખી સારંગપાણ.
દોહેલા દહાડા ઉતર્‍યારે, રહી મારી લાજ;
પુત્રી સરખી હું ગણીરે, ન દીધું નીચું કાજ.
માસી ભાણેજ બન્યો મળ્યાંરે, ઓળખ્યાનાં આલિંગન;
શત સહસ્ત્ર સ્વાગત માડી પછેરે, માન્યો ઘણું મુનિજંન;
વસ્ત્ર વાહન આપિયારે, વિનવિયો વિપ્રરાય;
ઘણુંએક દમયંતીને આપ્યુંરે, માસી લાગી પાય.
સુબાહુ સાથે મોકલ્યોરે, વળાવ્યાં કુન્દનપૂર;
સુખ શોભાએ જાયે સુંદરીરે,પંથ ઘણા છે દૂર;
ભાનુમતી ભેટી ઘણુંરે, દીકરી મારી સાધ.
તું છો છત્રપતીની અંગનારે, મારો ક્ષમા કરો અપરાધ.
પાગે લાગી માગી આજ્ઞારે, બેસી ખેડી સુખપાલ;
બેન માસી જાતાં માગીયુંરે; વૈદરર્ભી રાખે વહાલ.
વલણ.
વહાલ રાખે વૈદરભી, ક્ષેમે મળજો નૈષધધણીરે;
થોડે કાળે પ હોંતી પ્રેમદા, પીયર ગઇ વધામણીરે.

(પૂર્ણ)