લખાણ પર જાઓ

નળાખ્યાન/કડવું ૫૦

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૪૯ નળાખ્યાન
કડવું ૫૦
પ્રેમાનંદ
કડવું ૫૧ →
રાગ મેવાડો.


હરખ ભર્યા સુદેવે વાણી ભણી, હો દમયંતી.
ઓ આવી નગરી ભીમકતણી. હો દમયંતી.
કહો તો લઇ જાઊં વધામણી, હો દમયંતી.
પીયર પુરી જાઓ, નળની વિજોગણી, હો દમયંતી.
ઓ દીસે ગઢકેરા કાંગરા, હો દમયંતી.
ઓ હસ્તી સાંકળ લાંગર્યા, હો દમયંતી.
ઓ પેલાં ઘર વાડી ઝાડુઆં, હો મુનિજી.
શું કરતાં હશે મારાં બાંઢુઆં, હો ગુરુજી
કેમ જીવી હશે બે સાહેલડી, હો મુનિજી.
મુને દેખીને માતા થાશે ઘેલડી, હો ગુરુજી.
ઓ જાય સ્ત્રીનાં જોડલાં, હો મુનિજી.
ઓ હણહણે બાપજી કેરાં ઘોડલાં, હો ગુરુજી.
ઓ દીસે સ્થળ સ્વયંવર તણું, ઓ મુનિજી.
ત્ય્હાં હાર્‍યું દેવે દેવતાપણું, હો ગુરુજી.
મુને ન વિસરે અવસ્થા રાનની, હો મુનિજી.
નળ વિના ઉજ્જડ કો નવ વસે, હો ગુરુજી.
શ્વા ભર્યો સુદેવ પુરમાં સાંચર્‍યો, સુણ રાયજી.
વધામણી વધામણી એમ ઓચર્યો, સુણ રાયજી.
સભા સર્વ વિસ્મય હવી, સુણ રાયજી.
જાણે પ્રગટ્યો નૈષધ રવી, સુણ રાયજી.
હરખે ભીમ પૂછે ફરી ફરી, હો મુનિજી.
ઓ આવે રાય તમારી દીકરી, કહે મુનિજી.
ચાલ્યો ભીમક કુંવરી ભણી, ક્યાં દમયંતી.
વજ્રાવતી જાતી હરખે ઘણી, ક્યાં દમયંતી.
ધાયાં ભાઇને ભોજાઇ લજ્જા વિસરી, ક્યાં દમયંતી.
હરખે ભર્‍યાં ઝાંઝર પડે નીસરી, ક્યાં દમયંતી.
ઘેલી સરખી સાહેલી મળવા ધસી. ક્યાં દમયંતી.
શીશ ઉઘાડાં પાલવિયા જાય ખસી, ક્યાં દમયંતી.
વાયુ ભર્‍યા કેશ શોભે મોકળા, ક્યાં દમયંતી.
અંબર છૂટે ત્રૂટે કટિમેખલા, ક્યાં દમયંતી.
આવીરે પીયર પ્રજા સોહામણી, હો દમયંતી.
દીઠીરે દીકરી દુઃખે દામણી, હો દમયંતી.
ભુજ ભરી મહિરીયાંને મળે, હો દમયંતી.
જુએ માવડી ભુજ મૂકી ગળે, હો દમયંતી.
મારી માવડી આવડી શે દુર્બળી, હો દમયંતી.
શું પૂછે માત પ્રીત પીયુની ટળી, કહે દમયંતી.
આંસુ ફેડી તેડી મંદિરમાં ગયાં, સુણ રાયજી.
દાસી વેષનાં વસ્ત્ર મૂકાવીયાં, સુણ રાયજી.
વલણ.
મૂકાવ્યો વેષ માત તાતે, બાળક મૂક્યાં ખોળેરે;
બે વરસે બાળકાં તે, માતાને મળીયાં ટોળેરે.

(પૂર્ણ)