લખાણ પર જાઓ

યોગેશ્વર

વિકિસૂક્તિમાંથી

યોગેશ્વર એક સંત અને સાહિત્યકાર હતા. ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, સાધકો સાથેની પ્રશ્નોત્તરી, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા તેમની પોતાની આત્મકથા દ્વારા તે અભિવ્યક્ત થયા છે. તેમને ગુઢ અને ગહન વિષયો પર પ્રવચનો પણ કર્યા છે.

સૂક્તિઓ[ફેરફાર કરો]

  • ભૌતિક સાધનોથી અથવા સુખોપભોગથી વ્યક્તિ તથા સમષ્ટિને શાંતિ સાંપડી શકે છે એવું માનનારો વર્ગ વિશ્વમાં ઘણો મોટો છે. એ વર્ગનું સર્વત્ર વર્ચસ્વ છે એમ કહીએ તો ચાલે. એ માનવની તથા માનવસમાજની પ્રાથમિક જીવન-જરૂરિયાતોમાં વિશ્વાસ રાખે છે અને એમની પરિપૂર્તિના પાર વિનાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પ્રામાણિક તથા વાસ્તવિક હોય છે. એમની સદંતર ઉપેક્ષા ન કરી શકાય. ધર્મ, અધ્યાત્મ અથવા સાધનાના નામ પર કરવામાં આવતી એમની ઉપેક્ષા આદર્શ અને કલ્યાણકારક નથી. એવી ઉપેક્ષા જીવનને સુખશાંતિથી સંપન્ન કરવાને બદલે દુઃખ, ક્લેશ, દીનતા અને અશાંતિથી ભરી દે છે અને જીવનને અમૃતમય નહિ પરંતુ વિષમય તથા સંવાદી નહિ પરંતુ વિસંવાદી કરી નાંખે છે. એવું જીવન નીરસ ને નિરાનંદ બની જાય છે. ભૌતિક સાધનસંપત્તિ કે સમૃદ્ધિ જીવનને શાશ્વત શાંતિ તથા સર્વોત્તમ-સંપૂર્ણ સુખનું દાન નથી કરી શકતી એ જેમ સાચું છે તેમ એ પણ એટલું જ સાચું છે કે એના સિવાય જીવનની સ્વસ્થતા તેમ જ સંગીનતા નથી ટકી શકતી.[૧]
  • નીતિ ને સદાચારની પ્રતિષ્ઠાની, નીતિ તથા સદાચારની મર્યાદા વચ્ચે રહીને જીવન જીવવાથી, અથવા દૈવી સંપત્તિની પ્રાપ્તિથી પણ શાંતિની અનુભૂતિ થઈ શકે છે પરંતુ આંશિક રીતે. એ શાંતિને સંપૂર્ણ ને શાશ્વત શાંતિ ન કહી શકાય. તોપણ એ શાંતિની શક્તિ બીજી શાંતિની શક્તિ કરતાં સવિશેષ છે અથવા હોય છે એમાં શંકા નથી.[૧]
  • ભૌતિક ઉત્કર્ષને માટે જેટલું લક્ષ આપવામાં આવે છે તેટલું અથવા તેનાથી થોડુંક લક્ષ પણ માનવતાની માવજત માટે અને જીવનમાં આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિષ્ઠા માટે આપવામાં આવે તો માનવમનની, વ્યક્તિગત ને સમષ્ટિગત અવ્યવસ્થા અને અશાંતિનો અંત આવે ને જીવન તથા જગત અધિક સુખશાંતિમય, આનંદપ્રદ અને જીવવા જેવું બની જાય.[૧]
  • ભારતની વર્તમાન દશા દીન, હીન, દુઃખદ ને પછાત હોય તોપણ એની સંસ્કૃતિ વિશે હલકો અભિપ્રાય આપવાની જરૂર નથી. બધું પરિણામ ભારતની પરંપરાગત પુરાતન સનાતન સંસ્કૃતિને ન સમજવાને લીધે પેદા થયેલું છે. અમેરિકામાં જે સંદેશ સંભળાવવામાં આવે છે તે સારો છે, આદરણીય અને અનુકરણીય છે. ભારતમાં પણ એ સંદેશ સ્વધર્મના નામે આપવામાં આવેલો જ. એને ભૂલવામાં આવ્યો હોય તો તેમાં દોષ એ સંદેશનો નથી, એને આપનારા સત્પુરૂષોનો ને સંસ્કૃતિપ્રવાહનો પણ નથી, પરંતુ એને ભૂલનારનો છે. ભારતીય સંસ્કૃતિ તો એથીયે આગળ વધીને એક બીજી અગત્યની વાત કરે છે ને મહત્વનો મહામૂલ્યવાન સારસંદેશ સંભળાવે છે કે Duty towards your own self. તમારી પોતાની જાત પ્રત્યેનું તમારું કર્તવ્ય. બીજા બધાં કર્તવ્યોનું પરિપાલન તો માનવે કરવાનું જ છે પરંતુ એનું એના નામ પ્રત્યેનું કર્તવ્યપાલન પણ યાદ રાખવાનું છે.[૧]
  • માનવો જીવન જીવે છે પરંતુ જીવવું પડે છે માટે. કેટલાંક તો જીવનને બોજો ગણતાં, અભિશાપ સમજતાં, બડબડાટ કરતાં ને પોતાની જાતને, જગતને તથા જગતકર્તાને દોષ દેતાં જીવે છે. કોઈકોઈ તો મૃત્યુની પ્રતીક્ષા કરતાં જીવે છે. એમના જીવનમાં તરવરાટ, તાજગી, સ્ફૂર્તિ, ચેતના, પ્રસન્નતા ને રસમયતાનું દર્શન ભાગ્યે જ થાય છે. એમની એ દુર્દશા ખૂબ જ દુઃખદ છે. એમાંથી મુક્તિ મેળવવા ને જીવનના સાચા આનંદને અનુભવવા આત્મિક વિકાસની સાધનાને અપનાવવાની અનિવાર્ય આવશ્યકતા છે. એથી જીવનની કાયાપલટ થશે ને જીવનમાં નવો રસ, નવો આનંદ, નવો પ્રાણ ને નવી શાંતિ પેદા થશે. જીવન એક અમૂલખ આશીર્વાદ બનશે અને મંગલ મહોત્સવસમાન સુખદાયક થઈ પડશે. એ પોતાની સમુન્નતિની સાથેસાથે બીજાની પણ સમુન્નતિનું ને સુખાકારીનું સરસ સર્વોત્તમ સાધન બની જશે.[૧]
  • માનવીની પાસે શરીર છે અને શરીરની સહાયથી જ સાધના કરવાની છે એટલે સાધનામાં શરીરની ઉપેક્ષા કરવી બરાબર નથી. મન ને બુદ્ધિ પણ એમાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે. એટલે એમની અવગણના પણ ન કરી શકાય. હૃદયનું સ્થાન પણ એવું જ અગત્યનું છે. સાધના દ્વારા એનો પણ સમુચિત વિકાસ સાધવો જોઈએ. અને માનવીની અંદર એ સઘળાથી સર્વોત્તમ આત્માનું અસ્તિત્વ છે એ તો સર્વવિદિત હોવાથી કોઈ સાચી શ્રેષ્ઠ શ્રેયસ્કર સાધના એની પ્રત્યે આંખમીચામણાં કરવાનું તો ભૂલેચૂકે પણ ન શીખવી શકે. તન, મન, અંતર અને આત્માનો સુયોગ્ય વિકાસ સાધનાના અભ્યાસક્રમમાં આવશ્યક છે. માનવના વ્યક્તિત્વમાં એનું સ્થાન ખૂબ જ મહત્વનું છે એ કદી પણ ન ભુલાવું જોઈએ.[૧]
  • આવશ્યકતા છે એ સીધા, સરળ, સચોટ, સારવાહી સંદેશને જીવનમાં ઉતારવાની. કોઈપણ સર્વોત્તમ શુભ સંદેશને જીવનમાં ઉતારવાનો આનંદ ખરેખર અનેરો છે. એને જીવનમાં ઉતારવામાં આવે છે કે ઉતારવાનો પ્રામાણિક પ્રયત્ન થાય છે ત્યારે જ એ સાર્થક ઠરે છે.[૧]
  • સવારે ઊઠતી વખતે જ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ, મનન, ધ્યાન અથવા સ્તવન કરવાની ટેવ પાડીએ તો કેવું સારું ? શયનખંડને જ પરમાત્માની આરાધનાનો અદ્ ભુત ખંડ બનાવી શકીએ. તે વખતે મન પણ શાંત હોય ને વાતાવરણ વિમળ. ઊંઘની અટપટી અવસ્થામાં આપણે એકદમ અચેત થઈને પડેલા ત્યારે જે દૈવી સર્વોપરી શક્તિએ આપણને રક્ષીને જાગ્રત કર્યા અથવા જેને સ્મરણ કરીને કૃતજ્ઞતાને પ્રકટ કરવાનું છેક જ સ્વાભાવિક અને સુયોગ્ય લેખાય, એની સંસ્મૃતિ, સંસ્તુતિ ને પ્રાર્થના કરીએ. પ્રભાતના પવિત્ર પ્રથમ પ્રહરમાં જ એવી રીતે સાધનાની શરૂઆત કરી શકીએ.[૧]
  • કોઈક માણસ ચાનો પ્યાલો પાય છે કે આપણું સામાન્ય જેવું કામ કરે છે તો આપણે એનો Thank you કે ધન્યવાદ કહીને આભાર માનીએ છીએ; પરંતુ જે ઈશ્વરે આપણને અચેતાવસ્થામાં લઈ જઈને શાંતિ આપી અને એમાંથી જગાડીને જીવન બક્ષીને જગતનો અનુભવ કરવાનો અસાધારણ અમૂલખ અવસર આપ્યો એમને - ઈશ્વરની એ પરાત્પર શક્તિને-આપણે કદી પણ સાભાર સ્મરીએ છીએ ખરા ? એ શક્તિ આપણા જીવનમાં કેટલી બધી કૃપા વરસાવે છે ને કેવી સરસ રીતે કાર્ય કરે છે ? એના વિના જીવન પર પડદો પથરાઈ જાય ને જીવન મરણની આવૃત્તિ જેવું થાય. ઈશ્વરની એ અલૌકિક શક્તિને સદા કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાની આવશ્યકતા છે. એ શક્તિ આપણને જીવન અર્પે છે, ચેતન બક્ષે છે, ને પ્રતિપળ મદદ પહોંચાડે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]