અખેગીતા/કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૩ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ અખેગીતા
કડવું ૨૪ મું - જીવને અહંકાર સ્વરૂપની ઉત્પત્તિ
અખો
કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ →


રાગ ધન્યાશ્રી

વળિ કહું એક અપૂર્વ સારજી, વણક્રમે હોય પંથનો પારજી;

જહાં ન લાગે શબ્દ ઉચ્ચારજી, તે જાણવો બોલણહારજી. ૧
પૂર્વછાયા

બોલણહારાનું બોલવું તે, જાણજો જુગતે કરી;
એમ સમજે સિધ્ધાંન્ત થાય, જો જુએ જન પાછો ફરી. ૧

ભાઇ પારાપરથી શબ્દ ઉઠે, તે જુગતે જાડો થાય;
પાર છે પરમાત્મા તે, સ્વેં ચૈતન્યધનરાય. ૨

તે મનદ્વારાએ મહાતમ ધરે, તે મનને ઉઠે કલ્પના;
કલ્પના કામના છે, તે કરે બહુ જલ્પના. ૩

પરાતીતથું હોય પોષણ, તે શબ્દરૂપ પરા કરે;
તે પશ્યંતીએ થાય જાદો, અરૂપ ફીટી રૂપ ધરે. ૪

મધ્યમાએ ઘાટ ઘડાએ, અને વૈખરી થઇ વીખરે;
સંસૃતિ વાધે શબ્દ કેરી, અનંત પ્રકારે ઓચરે. ૫

અક્ષર બાવમ અનંત રૂપે, વેદ પુરાણ સ્મૃતિ લખે;
મંત્ર યંત્રને ને વિદ્યા વૈદ્યા, કાંઇએ ન હોય વાણીખપે૮. ૬

ષટ દરશનના મત્ત નાના, એ સર્વે મનવાણીતણા;
પશુ પંખી નર નાગલગે, ભેદ સર્વ એહના ઘણા. ૭

પરાત્પર તે પર રહ્યું, એ રમત્ય૧૦ વાણી મનતણી;
મધ્યે માની લીધું જીવડે, અણહુતો૧૧ થયો ધણી. ૮

મોટું સામર્થ્ય મહાપ્રભુનું, વણ ચલાવ્યું ચલે વલે;
જેન સૂર્ય વડે સર્વ કામ ચાલે, પણ કિરણ કેમાંહે૧૨ નવ ભલે. ૯

કહે અખો એ મર્મ મોટો, એમ સમજે અનંતને;

એમ સમજે સ્વૈંજ થઇએ; જો સેવો-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ ક્રમ વિના. ૨ પરાવાણીની પછવાડેથી. ૩ એકરસ ચૈતન્ય. ૪ મોટાઇ-સ્થૂળતા. ૫ બકવાદ. ૬ પરાને પારથી. ૭ ત્યજી દઇને. ૮ વાણીવિના. ૯ પરાથી પર. ૧૦ રચના. ૧૧ કલ્પિત. ૧૨ કોઇમાં.


(પૂર્ણ)