અખેગીતા/કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ અખેગીતા
કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ
અખો
કડવું ૪ થું - અજ્ઞાની જીવની દુઃખ દશા →


રાગ ધન્યાશ્રી

અણછતો આત્મા તેશું ઓચરેજી, આપનું વર્ણન તે આપે કરેજી;
જીવતણું પદ જોતાં જે નીસરેજી, સાંખ્યયોગજોતાંજેહરિઉગરેજી

પૂર્વછાયા

ઉગરે[૧] જે વિચાર કરતાં, બ્રહ્માદિક જે ગૃહી રહ્યા;
તે હરિને તમે ઓળખો, જે આદ્યપુરૂષે[૨] અજને[૩] કહ્યા. ૧

જે પદ શિવના તનપ્રત્યે[૪], દત્તે[૫] કહ્યું વિશદ[૬] કરી;
આકાશતવકેરી[૭] કથા, [૮]ષડાનને ઉરમાં ધરી. ૨

વિધિ વશિષ્ટેં કહી કથા, રઘુનંદન-આગળ[૯] જેહ;
અર્ણવ[૧૦] બ્રહ્મ-વિદ્યાતણો, ભાઇ દેખાડ્યો છે તેહ. ૩

અનંત પ્રકારે અચ્યુતે[૧૧], કહ્યું ભારતને જ્ઞાન;
ગીતા ગાઈ ગોવિંદે, કર્મ-યોગ નિદાન. ૪

સમઝાવ્યા સાનેં કરી, જનકેં જે શુકદેવને;
મહામુક્ત થઇને પરવર્યા, જ્યારે પ્રીચ્યો અંતર ભેવને[૧૨]. ૫

ભીષ્મે ભગવાન-સાન્નિધ્ય, પાંડવપ્રત્યેં જે કહ્યું;
શાંતિપર્વે શાતા દીધી, હત્યાનું હારદ[૧૩] ગયું. ૬

વેદવ્યાસે વેદ વેંહેંચ્યા, કર્મ ધર્મ પોષ્યા જીવને;
તેની દાઝેં લાગ્યા દાઝવા જો જાણ્યા નહિ નિજ શિવને. ૭

પછી નારદેં નારાયણકેરૂં, નિજ જ્ઞાન કહ્યું મહાદ્વિજને[૧૪];
ત્યારે દ્વૈપાયનની[૧૫] દાઝ ભાગી, જ્યારે કૃપા કીધી સંતજને. ૮

શિવેં કહ્યું શિવાપ્રત્યેં[૧૬], નિરાલંબ[૧૭] નિજધામ[૧૮]
અમર કીધો આત્મા, અદ્યાપિ[૧૯] સહસ્ત્ર[૨૦] નામ. ૯

કહે અખો વસ્તુજ્ઞાનવિના[૨૧], કુશળ ન હોય જંતને[૨૨];
નિજધામ હીંડો જાણવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦

નોંધ[ફેરફાર કરો]

 1. અવશેષ રહે
 2. નારાયણ
 3. બ્રહ્માને
 4. પુત્રપ્રતિ-કાર્તિકસ્વામીપ્રતિ.
 5. દત્તત્રેયે
 6. સ્પષ્ટ
 7. આકાશ જેવાની-બ્રહ્મની.
 8. કાર્તિકસ્વામીએ
 9. રામચંદ્રજીની સમીપ
 10. સમુદ્ર
 11. શ્રીકૃષ્ણે
 12. અંતરના રહસ્યને.
 13. શંકા
 14. વ્યાસજીને
 15. વ્યાસજીની
 16. પાર્વતીપ્રીતિ
 17. આલંબનરહિત
 18. સ્વયંપ્રકાસહ સ્વરૂપ
 19. હજી પણ
 20. હજાર
 21. આત્મસ્વરૂપના જ્ઞાન વિના.
 22. પ્રાણીને