સુદામા ચરિત/કડવું ૧૦
← કડવું ૯ | સુદામા ચરિત કડવું ૧૦ પ્રેમાનંદ |
કડવું ૧૧ → |
સામગ્રી-ચાલ નાની |
પછે શામળિયોજી બોલિયા, તુને સાંભરે રે?
હા જી, નાનપણાનો નેહ, મુને કેમ વીસરે રે?
આપણ બેઉ સાથે રહ્યા, તુને સાંભરે રે?
હા જી, સાંદીપનીના ઘર-મેંહ, મુને કેમ વીસરે રે?
આપણ અન્ન ભિક્ષા કરી લાવતા, તુને સાંભરે રે?
હા જી જમતા ત્રણે ભ્રાત, મુને કેમ વીસરે રે?
આપણ સૂતા એક સાથરે, તુને સાંભરે રે?
હા જી, સુખદુ:ખની કરતા વાત, મુને કેમ વીસરે રે?
પાછલી રાતના જાગતા, તુને સાંભરે રે?
હા જી, કરતા વેદની ધુન્ય, મુને કેમ વીસરે ર્રે?
ગુરુ આપણા જ્યારે ગામ ગયા, તુને સાંભરે રે?
હા જી, જાચવા કોઈ એક મુન્ય, મુને કેમ વીસરે રે?
ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તુને સાંભરે રે?
હા જી, લઈ આવો કહ્યું, કાષ્ઠ, મુને કેમ વીસરે રે?
આંગ આપણાં ઊકળ્યાં ઘણું, તુને સાંભરે રે?
હા જી, માથે તાવડ રાષ્, મુને કેમ વીસરે રે?
ખાંધ ઉપર કુહાડા ગ્રહ્યા, તુને સાંભરે રે?
હા જી, દૂર ગયા રણછોડ, મુને કેમ વીસરે રે?
વાદ વધ્યો બેઉ બાંધવે, તુને સાંભરે રે?
હા જી, ફાડ્યું મોટું ખોડ, મુને કેમ વીસરે રે?
ત્રણ ભારા બાંધ્યા દોરડે, તુને સાંભરે રે?
હા જી, આવ્યા બારે મેહ, મુને કેમ વીસરે રે?
શીત સમીર વાયો, તુને સાંભરે રે?
હા જી, ટાઢે ધ્રૂજે દેહ, મુને કેમ વીસરે રે?
નદીએ પૂર આવ્યાં ઘણું, તુને સાંભરે રે?
હા જી, ઘન વરસ્યો મુસળધાર, મુને કેમ વીસરે રે?
આકાશ અંધારી આવિયું, તુને સાંભરે રે?
હા જી, થાય વીજળિયા ચમકાર, મુને કેમ વીસરે રે?
પછે ગુરુજી શોધવા નીસર્યા, તુને સાંભરે રે?
હા જી, કહ્યું સ્ત્રીએ કીધો કેરે, મુને કેમ વીસરે રે?
આપણ હૃદયા સાથે ચાંપિયા, તુને સાંભરે રે?
હા જી, ગુરુ તેડી લાવ્યા ઘેર, મુને કેમ વીસરે રે?
ગોરાણી ગાય હતા દોહતા, તુને સાંભરે રે?
હા જી, હુતી દોણી માગ્યાની ટેવ, મુને કેમ વીસરે રે?
નિશાળે બેઠાં હાથ વધારિયો, તુને સાંભરે રે?
હા જી, તમોને જાણ્યા જગદાધાર, મુને કેમ વીસરે રે?
ગુરુ-દક્ષિણામાં માગિયું, તુને સાંભરે રે?
હા જી, મૃત્યુ પામ્યો જે કુમાર, મુને કેમ વીસરે રે?
મેં સાગર માંહે ઝંપલાવિયું, તુને સાંભરે રે?
હા જી, શોધ્યાં સપ્ત પાતાળ, મુને કેમ વીસરે રે?
હું પંચજન્ય શંખ જ લાવિયો, તુને સાંભરે રે?
હા જી, દૈત્યનો આણી કાળ, મુને કેમ વીસરે રે?
પછે જમનગરે હું ગિયો, તુને સાંભરે રે?
હા જી, આવી મળ્યો જમરાય, મુને કેમ વીસરે રે?
પુત્ર ગોરાણીને આપિયો, તુને સાંભરે રે?
હા જી, પછે થયા વિદાય, મુને કેમ વીસરે રે?
આપણ તે દહાડાના જૂજવા, તુને સાંભરે રે?
હા જી, ફરીને મળિયા આજ, મુને કેમ વીસરે રે?
તમ પાસ અમો વિદ્યા શીખતા, તુને સાંભરે રે?
હું મોટો કીધો, મહારાજ! મુને કેમ વીસરે રે?
વલણ
મહારાજ લાજ નિજ દાસની વધારે છે શ્રીહરિ;
પછે દારિદ્ર ખોવા દાસનું સૌમ્ય દૃષ્ટિ નાથે કરી.