સુદામા ચરિત/કડવું ૩

વિકિસૂક્તિમાંથી
← કડવું ૨ સુદામા ચરિત
કડવું ૩
પ્રેમાનંદ
કડવું ૪ →
રાગ મારુ
જઈ જાચો જાદવરાય, ભાવઠ ભાંગશે રે,
હું તો કહું છું લાગી પાય, ભાવઠ ભાંગશે રે.

ધન નહિ જડે તો ગોમતી-મજ્જન-
હરિદર્શન-ફળ નવ જાય. ભાવઠ..

સુદામો કહે, "વિપ્રને નથી માગતાં પ્રતિવાય,
પણ મિત્ર આગળ મામ મૂકી જાચતાં જીવ જાય.
મામ ન મૂકીએ રે'મામ...

ઉદર કારણે નીચ કને જઈ કીજે વિનય પ્રણામ,
તો આ સ્થાનક છે મળવા તણું, મામે વણસે કામ. ભાવઠ...

જાદવ સઘળા દેખતાં હું કેમ ધરું જમણો હાથ?
હું દરિદ્ર મિત્રનું રૂપ દેખી લાજે લક્ષ્મીનાથ. મામ...

પ્રભુજીને જે કો ધ્યાય, કરે તેહનાં કાજ,
બ્રાહ્મણનું કુલક્રમ છે તો ભીખતાં શી લાજ? ભાવઠ...

દસ માસ ગર્ભનિવાસ પ્રાણી, કરે શો ઉદ્યમ?
એવું જાણી સંતોષ આણો, હરિ વિસારશે ક્યઁઅ? મામ...

ઉદ્યમ-અર્થ નવ જોઈએ તો કેમ જીવે પરિવાર?
એકવાર જાઓ જાચવા, નહીં કહું બીજી વાર. ભાવઠ...

જોડવા પાણી, દીન વાણી, થાય વદન પીળું વર્ણ,
એ ચિહ્ન જાચક જન તણાં, માંગ્યા-પેં રૂડું મર્ણ. મામ...

રાજાથકી વિભીષણે જઈ જાચ્યા શ્રી જગદીશ,
અખંડ પૃથ્વી પામિયા ને છત્ર ધરિયું શીશ. ભાવઠ...

જગતના મનની વારતા જાણે અંતરજામી રામ,
અહિં બેઠાં નવનિધ આપશે, તહાં ગયાનું શું કામ? મામ...

તમો જ્ઞાની, અતિ વેરાગી છો પંડિત ગુણભંડાર,
હું જુગતે જીવું કેમ કરી? નીચ નારીનો અવતાર. ભાવઠ...

વલણ
અવતાર સ્ત્રીનો અધમ કહીએ, ઋષિપત્ની આંસુ ભરે,
દુ:ખ પામી જાણી પ્રેમદા, પછે સુદામોજી ઓચરે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]