લખાણ પર જાઓ

સુદામા ચરિત/કડવું ૭

વિકિસૂક્તિમાંથી
← કડવું ૬ સુદામા ચરિત
કડવું ૭
પ્રેમાનંદ
કડવું ૮ →
રાગ મારુ



સૂતા સેજ્યાએ છે અવિનાશ રે, આઠ પટરાણી છે પાસ રે;
રુક્મિની તળાંસે પાય રે, શ્રી વૃંદા ઢોળે વાય રે.

ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારી રે;
યક્ષકર્દમ સત્યા સેવે રે, કાલંદ્રી તે અગર ઉખેવે રે.

લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવરાવે રે;
હરિ પોઢ્યા હિંડોળાખાટ રે, પાસે પટરાણી છે આઠ રે.

બીજી સોલ સહસ્ત્ત્ર છે શ્યામા રે, કો હંસગતિ, ગજગામા રે;
મૃગનેણી કોઈ ચકોરી રે, કો શામલડી, કો ગોરી રે.

કો મુગ્ધા બાલકિશોરી રે, કો શ્યામછબીલી છોરી રે;
ખળકાવે કંકણ મોરી રે, ચપળા તે લે ચિત્ત ચોરી રે.

કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રીઝવી સંગમ જાચે રે;
હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના-ભાતી રે.

ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે;
ગંધ્રવીકળા કો કો કરતી રે, ફટકે અંબર કરમાં ઘરતી રે.

ચતુરા નવ ચૂકે ચાલ રે, હીંડે મરમે જેમ મરાલ રે;
મેનકા-ઉર્વશીની જોડ રે, તેથી રીઝ્યા શ્રીરણછોડ રે.

એમ થઈ રહ્યો થૈથૈકાર રે, રસમગ્ન છે વિશ્વાધાર રે;
એવે દાસી ધાતી આવી રે, તે નાથે પાસે બોલાવી રે.

બોલી સાહેલી શીશ નામી રે; 'દ્વારે દ્વિજ ઊભો છે, સ્વામી રે!
ન હોય નારદજી અવશ્યમેવ રે, ન હોય વસિષ્ઠ ને વામદેવ રે.

ન હોય દુર્વાસા ને અગસ્ત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે;
ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, નથી લાવ્યો કોની પત્રી રે.

દુ:ખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબીપાત્ર છે પાસે રે;
પિંગલ જટા ને ભસ્મે ભરિયો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીએ વરીયો રે.

શેરીએ ઊભા થોકેથોક રે, તેને જોવા મળ્યા બહુ લોક રે;
તેણે કહાવ્યું કરીને પ્રણામ રે; મારું સુદામો છે નામ રે.

જ્યારે દાસીનો બોલ સાંભળિયો રે, 'હેં હેં' કરી ઊઠ્યો શામળિયો રે;
'મારો બાળ સ્નેહી સુદામો રે, હું દુખિયાનો વિસામો રે.'

ઊઠી ધાયા જાદવરાય રે, મોજાં નવ પહેર્યાં પાય રે;
પીતાંબર ભોમ ભરાય રે, જઈ રુક્મિની ઊંચું સાહ્ય રે.

આનંદે ફૂલી ઘણું કાય રે, રુદયાભાર શ્વાસ ન માય રે;
ઢળી પડે વળી બેઠો થાય રે, એક પલક તે જુગ વહી જાય રે.

સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે; 'પૂજાથાળ કરો સાવધાન રે;
આ હું ભોગવું રાજ્યાસંન રે, તે તો બ્રાહ્મણનું પુન્ય રે.

જે નમશે એનાં ચરણ ઝાલી રે, તે સહુ-પે મુજને વહાલી રે;'
તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે.

કહે માંહેમાંહે વળી; 'બાઈ રે! કેવા હશે કૃષ્ણજીના ભાઈ રે?
જેને હશે શામળિયા - શું સ્નેહ રે, હશે કંદર્પ કોટિ તેની દેહ રે.'

લૈ પૂજાના ઉપહાર રે, ઊભી રહી છે સોલ હજાર રે;
'બાઈ લોચનનું સુખ લીજે રે, આજ દિયરનું દર્શન કીજે રે.'

શુકજી કહે: સાંભળ રાય રે! શામળિયોજી મલવાને જાય રે;
છબીલોજી છૂટી ચાલે રે, મૂકી દોટ તે દિનદયાલે રે.

સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે, છૂટ્યાં આંસુ શ્રાવણનેવ રે;
જુએ કૌતુક ચારે વર્ણ રે; ક્યાં આ વિપ્ર ને ક્યાં અશરણશર્ણ રે!

જુએ દેવ વિમાને ચડિયા રે, પ્રભુજી ઋષિને પાયે પડિયા રે;
હરિ ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડાં સાથે રે.

ભુજ-બંધન વાંસા પૂઠે રે, પ્રેમ-આલિંગન નવ છૂટે રે;
પછે મુખ અન્યોન્ય જુએ રે, હરિનાં આંસુ ઋષિજી લુહે રે.

તુંબીપાત્ર ઉલાલી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે;
'તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે.'

જોઇ હાસ કરે સહુ નારી રે; 'આ શી રૂડી મિત્રાચારી રે!'
ઘનું વાંકાબોલી સત્યભામા રે: 'આ શા ફૂટડા મિત્ર સુદામા રે!'

હરિ આને ઊઠી શું ધાયા રે? ભલી નાનપણાની માયા રે!
ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંઘો, આને રાખોડી રે!

જો બાળક બહાર નીસરશે રે, તે તો જોઈ કાકાને છળશે રે.'
તવ બોલ્યાં રુક્મિની રાણી રે; 'તમે બોલો છો શું જાણી રે?'

વલણ
'શું બોલો છો વિસ્મે થઈ? હરિભક્તને ઓળખો નહી'
બેસાડ્યા મિત્રને શય્ય ઉપર, ઢોળે વાયુ હરિ ઊભા રહી.

આ પણ જૂઓ

[ફેરફાર કરો]