સુદામા ચરિત/કડવું ૧૧

વિકિસૂક્તિમાંથી
← કડવું ૧૦ સુદામા ચરિત
કડવું ૧૧
પ્રેમાનંદ
કડવું ૧૨ →
રાગ વસંતસકલ સુંદરી દેખતાં ગોવિંદે ગોષ્ઠિ કીધી;
દારિદ્ર ખોવા દાસનું ગાંઠડી દૃષ્ટમાં લીધી.

ઈન્દ્રનો વૈભવ આપશે સ્વલ્પ સુખડી સાટે;
અઢળક ઢળિયો રે મુષ્ટિ તાંદુલ માટે.

મનવાંછિત ફળ આજ પામ્યો, મિત્ર મળવાને આવ્યા;
કાંઈ ચતુર ભાભઈએ ભેટ મોકલી? કહો, સખા શું લાવ્યા?

ચરણ તળે શું ચાંપી રાખો? મોટું મન કરી કાઢો;
અમો જોગ એ નહીં હોય તો દૂર થકી દેખાડો.

'એ દેવતાને દુર્લભ દીસે', કહી જાચે જાદવરાય;
'જો પવિત્ર સુખડી પ્રેમે આપો, તો ભવની ભાવઠ જાય'

ભગવાન ભાંજશે, ભરમે ભૂલી જુએ નારી સમસ્ત;
'અલભ્ય વસ્તુ શી છે ઋષિ પાસે? જે હરિ ઓડે છે હસ્ત?'

અવલોકન કરતા અલજ્યાં લોજન, ઊભી રહી લઈ પાત્ર;
જદુપતિને જાચે સહુ નારી: 'અમને આપજો તલમાત્ર.'

સુદામો સાંસામાં પડિયો, 'લજ્જા મારી જાશે;
ભરમ ભાંગશે તાંદુલ દેખી, કૌતુક મારું થાશે.

સ્ત્રીને કહ્યે હું લાગ્યો લોભી, તુચ્છ ભેટ મેં આણી;
લાજ લાખ ટકાની ખોઈ, ઘર ધાત્યું ધણિયાણી.'

સુદામાની શોચના તે શામળિયે સહુ જાણી;
હસતાં હસતાં પાસે આવી તાંદુલ લીધા તાણી.

હેઠળ મેલી હેમની થાલી, વસ્તુ લેવા જગદીશ;
છોડે છબીલો, પાર ન આવે, છેં ચીંથરાં દશવીશ.

પટરાણી જોઈ વિસ્મે પામ્યાં: 'છે પારસ મોંઘું રતન;
અમરફળ વા સંજીવનમણિ, આવડું કીધું જતન.'

વેરાયા કણ ને પાત્ર ભરાયું, જુએ સહુ જુવતીઓ સાથ;
તાંદુલના કણ હૃદયાં ચાંપી બોલ્યા વૈકુંઠનાથ.

'સુદામા! મેં આ અવનીમાં લીધા બહુ અવતાર;
આ તાંદુલનો સ્વાદ કેવો! નથી આરોગ્યા એક વાર.

મોટા મિત્ર સેવક મેં જોયા, ધ્રુવ અંબરીષ પ્રહલાદ;
પણ આ તાંદુલનો એકે મિત્રે દેખાડ્યો નહિ સ્વાદ.'

તુચ્છ ભેટ ભારે કરી માની, વિચારિયું ભગવાન;
'સાત જનમ લગી સુદામે, નથી કીધું એકે દાન.'

જાચક-રૂપ થયા જગજીવન, પ્રીત હૃડયમાં વ્યાપી;
મુષ્ટિ ભરીને તાંદુલ લીધા, દારિદ્ર નાખ્યું કાપી.

કર મરડીને ગાંઠડી લીધી, સાથેથાં દુ:ખ મોડ્યાં;
જેમ જેમ ચીંથરા છોડ્યાં નાથે, તેમ ભવનાં ભંધન છોડ્યાં.

તાંદુલ જવ મુખ માંહે મૂક્યા, ઊડી છાપરી આકાશ;
તેણે સ્થાનક સુદામાને થયા સપ્ત ભોમના આવાસ.

ઋષિપત્ની થઈ રુક્મિણી સરખી, થયા સાંબ સરીખા પુત્ર;
વૈભવને શું કવિ વખાણે? જેવું કૃષ્ણનું ઘરસૂત્ર.

અષ્ટ મહાસિદ્ધિ ને નવ નિધિ, તે મોકલી વણમાગી;
તે સુદામોજી નથી જાણતા જે ભવની ભાવઠ ભાગી.

હાથી ડોલે, દુંદુભિ બોલે, ગુણીજન ગાયે સાખી;
જડિત્ર હિંડોળો, હેમની સાંકળ, હીંચે છે હરિણાખી.

હીરા રત્ન કનકની કોટી, હાર્યો ધને કુબેર;
કોટિ ધ્વજ, લાખેણા દીપક, વાજે છપ્પન ઉપર ભેર.

વલણ
વાજે ભેર અખૂટ ભંડારની, ત્રૂટ્યા શ્રીગોપાલ રે;
શર્વરી વાતે વહી ગઈ ને થયો પ્રાત:કાળ રે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]